Thursday, January 30News That Matters

નાનાપોંઢા રેન્જના RFO ની સફળ રેઇડ, 2.90 લાખના સાગના ચોરસા-પાટિયાનો જથ્થો જપ્ત કર્યો

વલસાડ જિલ્લાના નાનાપોંઢા રેન્જના મોટી વહિયાળ ગામના નદીપાડા ફળિયા ખાતેથી RFO અભિજીતસિંહ એસ. રાઠોડ તથા ટીમે બાતમીના આધારે સાગના ચોરસા તથા પાટિયાનો 4.648 ઘ.મી.નો જથ્થો જપ્ત કરી મહત્ત્વની સફળતા મેળવી છે. મળતી વિગતો મુજબ અંદાજિત 2,90,000 નો મુદ્દામાલ જપ્ત કરી નાનાપોંઢા રેન્જ ડેપો ખાતે જમા કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

વલસાડ જિલ્લાના નાનાપોંઢા રેન્જના મોટી વહિયાળ ગામના નદીપાડા ફળિયા વિસ્તારમાં એક સ્થળે મોટી માત્રામાં સાગના કિંમતી લાકડામાંથી ફર્નિચર માટે ચોરસા અને પાટિયાનો જથ્થો પડ્યો હોય અને એકાદ બે દિવસમાં તે અન્યત્ર સગેવગે થવાનો હોવાની RFO અભિજીતસિંહ એસ. રાઠોડ તથા ટીમને બાતમી મળી હતી. જે બાતમી આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરે ટીમ સાથે રેઇડ કરી હતી. જેમાં સાગના લાકડામાંથી ફર્નિચર માટે તૈયાર કરેલા સાગના ચોરસા તથા પાટિયાનો જથ્થો મળી આવ્યો હતો. મળતી વિગતો મુજબ અંદાજિત 4.648 ઘ.મી.ના આ જથ્થાની કુલ કિંમત 2.90 લાખ આસપાસની હોવાનો અંદાજ છે. હાલ તમામ જથ્થો જપ્ત કરી નાનાપોંઢા રેન્જ ડેપો ખાતે જમા કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

આ અંગે વધુ મળતી વિગતો મુજબ વનવિભાગ ની રેઇડ દરમ્યાન ઘટના સ્થળ પર માત્ર મહિલાઓ જ હતી. જ્યારે પરિવારના પુરુષ સભ્યો નાસી છૂટ્યા હતાં. જેથી આ જથ્થો કોના દ્વારા ક્યાંથી અહીં લાવવામાં આવ્યો હતો. ક્યા બેન્સામાં સાગના લાકડામાંથી ચોરસા, પાટિયા બનાવવામાં આવ્યા છે. મુખ્ય સૂત્રધાર કોણ છે તે વિગતો મળી શકી નથી.

 

 

પ્રાથમિક તારણ મુજબ સાગના લાકડાથી ફર્નિચર બનાવવા કોઈએ આ જથ્થો મંગાવ્યો હોઈ શકે છે. અને ગુજરાત મહારાષ્ટ્રના સરહદી વિસ્તારમાંથી સમયાંતરે પહેલા લાકડા સગેવગે કરી ત્યાર બાદ અલગ અલગ સ્થળ પર તેને વહેરી તેમાંથી ચોરસા, પાટિયા તૈયાર કરી અહીં લાવી અહીંથી અન્યત્ર સ્થળે સગેવગે કરવામાં આવનાર હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી વનવિભાગે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *