વાપીમાં શ્યામ સેવા સમિતિના સભ્યો દર બુધવારે ગુંજન વિસ્તારમાં આવેલ અંબા માતા મંદિરે ભૂખ્યા ને ભોજન કરાવી જઠરાગ્નિ ઠારી રહ્યા છે. આ સેવાકાર્યનું સફળતા પૂર્વક એક વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિતે મહાપ્રસાદ સાથે બાબા શ્યામજીની પ્રતિમા ને શણગાર કરી વસંત પંચમી નિમિતે સરસ્વતી માતાજીની પૂજા કરવામાં આવી હતી.
શ્યામ સેવા સમિતિની આ સેવા અંગે સંસ્થાના શંભુ અગ્રવાલ, નિશા અગ્રવાલે જણાવ્યું હતું કે, આજથી એક વર્ષ પહેલાં 15મી ફેબ્રુઆરી 2023ના શ્રી શ્યામ સેવા સમિતિના તમામ સભ્યોએ દર બુધવારે શ્યામ પ્રસાદ આપી જરૂરીયાતમંદ ભુખ્યાજનોને ભોજન કરાવવાનો, તેમજ શિક્ષણ અને ગૌ સેવામાં બનતો સહયોગ કરવાનો સંકલ્પ લીધો હતો. છેલ્લા એક વર્ષથી અહીં દર બુધવારે 1500થી 2000 જેટલા લોકોને ભોજન પીરસવામાં આવે છે.
એક વર્ષની આ સફળતા નિમિતે આજે વસંત પંચમી હોય સરસ્વતી માતાજીની પૂજા અર્ચના કરી હતી. બાબા શ્યામનો શણગાર કરવામાં આવ્યો હતો. આરતી બાદ મહાપ્રસાદ વિતરિત કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજિત 2000 જેટલા લોકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ સેવા સમિતિના તમામ સભ્યો જેમાં પુરુષો અને મહિલાઓ હળીમળીને કરે છે. તેઓ દ્વારા જ રસોઈ પીરસવામાં આવે છે.
આ સ્થળે સ્વચ્છતાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. એ ઉપરાંત 2 જરૂરિયાતમંદ બાળકોની શિક્ષણ ફી થી માંડીને તમામ જરૂરિયાત પુરી પાડવામાં આવે છે. ગૌ સેવા કરવામાં આવે છે. આ સેવા દાતાઓના સહકારથી ચાલતી હોય અને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હોય તમામ સભ્યોનો, દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.