Saturday, February 1News That Matters

વાપી નોટિફાઇડમાં 150 કરોડના વિવિધ પ્રોજેકટને સાકાર કરવા વર્ષો જુના ટેક્સની કડક વસુલાત

વાપી GIDC માં નોટિફાઇડ દ્વારા રહેણાંક અને ઔદ્યોગિક એકમોના મિલ્કતધારકોને નોટિસ પાઠવી પાણી-વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરતા મિલકત ધારકોમાં ફફડાટ ફેલાયો છે. નોટિફાઇડ દ્વારા આગામી સમયમાં 150 કરોડથી વધુના વિકાસના કામો હાથ ધરવાના છે. જે માટે આ  વર્ષોજુના ટેક્સની વસૂલાત માટે કડક ઉઘરાણી હાથ ધરી છે.
વાપી GIDC માં નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા વર્ષો જુની વિવિધ ટેક્સ પેટેની રકમ વસૂલવા કડક કાર્યવાહી હાથ ધરી છે. રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં મિલ્કતધારકો ને નોટિસ પાઠવી પાણી કનેક્શન કાપવા સહિત વીજ કનેક્શનને પણ કાપવાની કામગીરી હાથ ધરતા કેટલાક મિલકત ધારકોએ ટેક્સની રકમ જમા કરી દીધી છે. જેનાથી નોટિફાઇડની તિજોરીમાં આવક વધી છે. અને આવનારા દિવસોમાં અંદાજિત 150 કરોડથી વધુના વિકાસના કામોનું આયોજન શક્ય બન્યું છે.
વાપી નોટિફાઇડ દ્વારા હાલ ડ્રેનેજ પેટે લેવાતો ટેક્સ ભરવામાં મિલ્કતધારકોએ ઉદાસીનતા દાખવતા આખરે નોટિફાઇડ વિભાગે લાલ આંખ કરી કડક પગલાં ભરી દોઢ મહિનામાં 3 કરોડ જેટલી વસુલાત કરી છે. નોટિફાઇડ વિસ્તારમાં આગામી દિવસોમાં સરદાર ચોક આસપાસના વિવિધ માર્ગો, પાણી માટેની ડિસ્ટ્રીબ્યુશન લાઇન, હાઉસીંગના ડ્રેનેજ નેટવર્કને  અપગ્રેડ કરવા, હાઉસિંગ 1 અને 2 માં STP પ્લાન્ટ સ્થાપવા સહિતના અંદાજિત 150 કરોડથી વધુના પ્રોજેકટ હાથ ધરવાના છે. જે માટે વર્ષો જુના ડ્રેનેજ, પાણી નો ટેક્સ વસૂલવા કડક ઝુંબેશ હાથ ધરી છે.
નોટિફાઇડ આ કડક કાર્યવાહી કરી વર્ષોજુની ટેક્સની લેણી રકમ ઉઘરાવી ભંડોળ એકઠું કરવા માંગે છે. જે બાદ મહત્વના વિકાસના પ્રોજેકટ માટે સરકારની યોજનાનો લાભ અને સહાય લઈ મિલ્કતધારકો ને ઉત્તમ સુવિધા પૂરી પાડવાની નેમ ધરાવે છે. જો કે પાછલા કેટલાક સમયથી  નોટિફાઇડ એરિયામાં નવા વિકાસના કામો થઈ રહ્યા છે. જો કે, હાલમાં તો વિકાસના કામોને લઈને વાપી નોટિફાઇડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર દેવેન્દ્ર સગરે વેરો વસૂલવા મિલ્કતધારકોને નોટિસ આપી ડ્રેનેજ વેરાની કડક વસુલાત કરતા વર્ષોથી વેરો નહિ ભરનારા મિલ્કતધારકો માં ફફડાટ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *