Thursday, November 21News That Matters

વલસાડ જિલ્લાના ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે :- નાણાપ્રધાન કનું દેસાઈ

વલસાડ જિલ્લાના મોટી દાંતી ગામ ખાતે દરિયા કિનારાની અને જિલ્લાના અન્ય કાંઠા વિસ્તારમાંથી ખનીજ ચોરતા ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન આપી નાણાપ્રધાન કનું દેસાઈએ ખનીજ માફિયાઓને ગર્ભિત ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે રેતી ખનનની પ્રવૃત્તિ અટકાવવાની માંગ સાથે મોટી સખ્યામાં દાંતી ગામના લોકોએ વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવા સાથે કલેકટર કચેરી પ્રાંગણમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વલસાડ જિલ્લો 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. જેના કાંઠા વિસ્તારના ગામોમાં મોટાપાયે રેતી સહિત ખનીજ ચોરી ફૂલીફાલી છે. આવા ખનીજ માફિયાઓને કારણે દરિયો આગળ વધી રહ્યો હોય કાંઠાના ગામલોકોએ દરિયાનું પાણી ગામમાં પ્રવેશતા સ્થળાંતરની નોબત આવી છે. રેતી માફિયાઓએ દરિયાની રેતી ઉલેચી ગામને નામશેષ થવાના આરે પહોંચાડી દીધું છે. ત્યારે આ મામલે ગામલોકોએ સૌપ્રથમ રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને સ્થાનિક ધારાસભ્ય ભરત પટેલ સાથે વાત કરી આ ખનીજ માફિયાઓ પર અંકુશ લાવવા રજુઆત કરી હતી.
જો કે આ રજુઆતના પગલે જ અને કનુભાઈના દિશા નિર્દેશમાં ગામલોકોએ વલસાડ જિલ્લા કલેટર કચેરી ખાતે વહીવટીતંત્રને આવેદનપત્ર આપી ધરણા પ્રદર્શન કરી અધિકારીઓને ઢંઢોળવાના પ્રયાસ કર્યા હતાં. જે બાદ આ મામલે નાણાપ્રધાન કનુભાઇ દેસાઈએ એક નિવેદન માં ખનીજ માફિયાઓને ગર્ભિત ચેતવણી આપી દીધી છે. વાપીમાં VIA ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહેલા નાણાપ્રધાન કનું દેસાઈએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં કોઈ પણ ખનીજ માફિયાઓને માફ કરવામાં આવશે નહિ. તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. દાંતી ગામના મામલે દરેક સ્તરે રજુઆત થઈ છે. અને આ ખનન હવે બંધ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દાંતીમાં થતી ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ મામલે સ્થાનિક લોકોને કલેકટર કચેરી ખાતે સામૂહિક મુલાકાત ન આપતા આક્રોશ વ્યક્ત કરી કલેકટર કચેરીના ગેટ પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ગામલોકોએ જિલ્લાના રેતી માફિયાઓ દ્વારા કરવામાં આવતી રેતીખનનની પ્રવૃત્તિ મોટી દાતી દરિયા કિનારા વિસ્તારમાં બંધ કરાવવા તેમજ દરિયાઈ ભરતીમાં સ્થાનિક લોકોની સુરક્ષા માટે મજબૂત પ્રોટેકશન વોલ બનાવવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું જો કે ગામલોકો ની સમસ્યાથી અને ખનીજ માફિયાઓની પ્રવૃત્તિ થી સુપેરે વાકેફ નાણાપ્રધાને આ મામલે મોટું નિવેદન આપી ખનીજ માફિયાઓને ગર્ભિત ચેતવણી આપી દેતા હાલ જિલ્લાભરના ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. તેમજ હવે વહીવટીતંત્ર પણ આ મામલે કંઈક નવાજુની કરશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *