22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રતિમા સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ ધન્યઘડીએ સમગ્ર દેશ રામમય બન્યો છે. ત્યારે વાપીમાં પણ અનેક સંસ્થાઓ દ્વારા વિશેષ કાર્યક્રમ હાથ ધરાયા છે. વાપીના અંબા માતા મંદિરે પણ ભગવાન રામની પૂજા અર્ચના, રંગોળી, દીપોત્સવ, ભજન સહિતના આયોજન કરવામાં આવ્યા છે. ત્યારે, આ ઐતિહાસિક ધાર્મિક પ્રસંગમાં સહભાગી થવા રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ પણ વાપીમાં આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો માં ઉપસ્થિત થઈ રહ્યા છે. જે અનુસંધાને વાપીમાં ગુંજન વિસ્તારમાં આવેલ અંબા માતા મંદિરે પ્રભુ શ્રી રામની આરતી ઉતારી નમન કર્યા હતાં.
વાપી નોટીફાઇડ હસ્તકના ગુંજન વિસ્તારમાં આવેલ શ્રી અંબામાતા મંદિર ખાતે રામસેવા કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતાં. કનુભાઈએ પ્રભુ શ્રી રામજી ની આરતી ઉતારી હતી. નમન કર્યું હતું. આ અંબામાતા મંદિર ટ્રસ્ટ નાં ટ્રસ્ટી ગણ દ્રારા મંત્રી નું સ્વાગત કરવામાં આવ્યું. તેમજ વિવિધ સમાજ દ્વારા જાતજાતની કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી જેને નિહાળી સૌને આ અવસર નિમિતે શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હોય તમામે ભગવાન રામની આરતી ઉતારી કાયદો વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી. નાણામંત્રી સાથે વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી નોટીફાઇડ પ્રમુખ હેમંત પટેલ, કારોબારી અધયક્ષ મિતેષ દેસાઇ, અંબા માતા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ કમલેશભાઈ પટેલ, યોગેશભાઈ કાબરીયા, મામા, અન્ય ટ્રસ્ટીગણો તેમજ કોર્પોરેટરો, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને ભાવિક ભક્તો ઊપસ્થિત હતા.
ઉલ્લેખનીય છે કે, અંબા માતા મંદિરે કેસરિયા પોશાકમાં અને હાથમાં કેસરી ધ્વજ સાથે હજારો ભાવિક ભક્તો રામજીના દર્શને આવ્યા હતાં. જેઓએ જય શ્રી રામના નારા લગાવી વાતાવરણ ને ભક્તિમય બનાવ્યું હતું. તો, આ અવસરે ઇન્ડસ્ટ્રીયલ ચેરીટેબલ ટ્રસ્ટ (અંબા માતા મંદિર) શ્રી લોહાણા યુવક મંડળ, શ્રી જલારામ સેવા સંઘ વાપી દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો રામભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો