Sunday, December 22News That Matters

રક્તદાન, શોભાયાત્રા, આરતી, ઇનામ વિતરણ, સન્માન, રાસ ગરબા, ભજન, મહાપ્રસાદના આયોજન સાથે વલસાડમાં ‘સોનલ બીજ’ની કરાઈ ઉજવણી

રવિવારે 25મી ડિસેમ્બરે ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વલસાડમાં શ્રી ઓધવરામ પાર્ટી પ્લોટ ખાતે સોનલ બીજની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ આઈ સોનલ માં ની શોભાયાત્રાનું આયોજન તે બાદ આરતી, ઇનામ વિતરણ, સન્માન સમારંભ, રાસ ગરબા, મહાપ્રસાદ અને મહારક્તદાન કેમ્પ, ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સોનલ બીજની ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. 
રવિવારે 25મી ડિસેમ્બરે આઈ સોનલ માં નો 98મો પ્રાગટય દિન હતો. આ દિવસને ચારણ-ગઢવી સમાજ સોનલ બીજ તરીકે ઉજવે છે. જે અનુસંધાને આજના દિવસે વિવિધ સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ, નવસારી જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં વસતા ચારણ-ગઢવી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. તમામે આઈ સોનલ માં ની ભક્તિભાવ પૂર્વક આરતી કરી માતાજીની કૃપાદ્રષ્ટિ હંમેશા વરસતી રહે તેવા આશીર્વાદ માંગ્યા હતાં.
આઈ શ્રી સોનલ માંએ ચારણ કુળ માં જન્મ લીધા બાદ તમામ સમાજના લોકોને શિક્ષિત, સંગઠીત, વ્યસન મુક્ત બનવાનો સંદેશ આપ્યો હતો. ચારણ કુળમાં જન્મ લેનાર અનેક માતાજીઓમાં સોનલ માં અંતિમ માતાજી છે. જેઓને ચારણ-ગઢવી સમાજના ઉદ્ધારક માનવામાં આવે છે. વર્ષ 1924માં તેમનો જન્મ થયો હતો. આ વર્ષે તેમનો આ 98મો જન્મ મહોત્સવ હતો. ચારણ-ગઢવી સમાજ દર વર્ષે પોષ સુદ બીજના સોનલ માં ના જન્મ દિવસને સોનલ બીજ તરીકે ઉજવે છે. જે અંતર્ગત 25મી ડિસેમ્બર 2022 રવિવારે વલસાડમાં શ્રી ઓધવ રામ પાર્ટી પ્લોટ, ધરમપુર ચાર રસ્તા ખાતે 36માં પરમ પૂજ્ય આઈ શ્રી સોનલ માં જન્મોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજીત આ જન્મોત્સવ નિમિતે સવારે માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ઢોલ નગારાના તાલે યુવાનોના રાસ ગરબાના સથવારે શોભાયાત્રા ઓધવરામ પાર્ટી પ્લોટ ખાતે પહોંચી હતી. જ્યાં માતાજીની આરતી કરી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તો, સમાજનું નામ રોશન કરનાર અને સોનલ બીજની ઉજવણી તેમજ રક્તદાન કેમ્પમાં અમૂલ્ય યોગદાન આપનાર સમાજના યુવાનો, મહાનુભવોનું સન્માન કરવામાં આવ્યું હતું. જે બાદ બપોરે મહાપ્રસાદ, રાસગરબા, સાંજે 6 વાગ્યે મહાઆરતી સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. સોનલ બીજની ઉજવણી પ્રસંગે આયોજિત રક્તદાન કેમ્પમાં 75 યુનિટથી વધુ રક્ત એકત્ર કર્યું હતું. 63 વર્ષના રક્તદાતા સહિતના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
સોનલ બીજ મહોત્સવમાં ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશમાં સરકારી વિભાગમાં ફરજ બજાવતા તેમજ અન્ય ક્ષેત્રમાં સમાજનું નામ રોશન કરનાર યુવાનો-આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. દરેક સમાજ સાથે એકતા, ભાઈચારો કાયમ રહે તે માટે ક્ષત્રિય સમાજ, આહીર સમાજ, ભાનુશાલી સમાજ સહિત તમામ સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેઓનું પણ વિશેષ સન્માન કરી પ્રાસંગિક પ્રવચન પૂરું પડાયું હતું. આઈ સોનલ માં ના પ્રાગટય પર્વ નિમિત્તે ઉજવાતી સોનલ બીજમાં વલસાડ, નવસારી, દમણ અને સેલવાસમાં વસતા ચારણ-ગઢવી સમાજના લોકોએ ઉમળકાભેર ભાગ લઈ હર્ષોલ્લાસભેર સોનલ બીજની ઉજવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સોનલ બીજ નિમિતે ગુજરાતના જાણીતા ભજન આરાધક જયમંત દવે, જયેશ ચૌહાણ, ભજનીક ગોવિંદભાઇ ગઢવી, લોક સાહિત્યકાર વિજયદાન ગઢવીના કંઠે ભજનનું અને સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેઓએ ભજન ની રમઝટ બોલાવી હતી. જેને માણવા મોટી સંખ્યામાં ભજન રસિકો ઉપસ્થિત રહ્યા હતાં.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *