વલસાડ જિલ્લા SOG એ એક અજીબો ગરીબ કિસ્સાનું પગેરું દાબી મહત્વની સફળતા મેળવી છે. SOG ની ટીમે સપ્તાહ પહેલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવેલ નવજાત શિશુનું મૃત્યુ થતા તેના મૃતદેહને તરછોડી ગુપચુપ રવાના થયેલ 19 વર્ષીય માતાને શોધી કાઢી વધુ તપાસ માટે GIDC પોલીસને હવાલે સુપ્રત કરી છે.
વલસાડ SOG પોલીસે આપેલી વિગતો મુજબ ગત 25મી માર્ચે વલસાડ સિવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ નવજાત શિશુના મૃત્યુ બાદ તેને જન્મ આપનાર માતા બાળકના મૃતદેહને હોસ્પિટલમાં જ છોડીને નાસી ગયા હતાં. જે અંગે મેડીકલ ઓફીસરે ફરિયાદ લખાવી હતી કે, 21મી માર્ચે વલસાડ સિવિલના પીડીયાટ્રીક ડીપાર્ટમેન્ટમાં એક માતાએ તેના નવજાત શિશુને સારવાર માટે એડમીટ કર્યું હતું. આ બાળકને તેની માતાએ 18મી માર્ચે વાપીના ચલા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો.
જો કે જન્મના બીજા દિવસે બાળકની તબિયત લથડતા તેને વધુ સારવારઅર્થે વલસાડ સિવીલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતું. જ્યાં બાળકનું સારવાર દરમ્યાન 21મી માર્ચે મૃત્યુ થયું હતું. બાળકનુ મૃત્યુ થયા બાદ તેની માતા પોતાના તાજા જન્મેલા શિશુના જન્મને છુપાવવા માટે મૃતદેહને ઇરાદાપુર્વક ત્યજી દઇ હોસ્પિટલમાંથી ગુપચુપ રવાના થઈ ગઈ હતી.જે અંગે વાપી GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ઉપરોક્ત ગુન્હામાં મૃત બાળકને ત્યજી દેનાર માતાને તાત્કાલીક શોધી કાઢવા વલસાડ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરે SOG શાખાના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર વી.બી.બારડને સુચના આપી હતી. જેના માર્ગદર્શનમાં SOG/LCB ની ટીમ બનાવી વલસાડ સિવીલ હોસ્પિટલ તથા વાપી ચલા સરકારી હોસ્પિટલના સી.સી.ટીવી કેમેરા તેમજ હોસ્પિટલમાંથી જરૂરી રેકોર્ડ મેળવી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન વલસાડ SOG ના PSI એન.સી.સગર તથા ASI વિક્રમ રાઠોડ અને અન્ય પોલીસ કર્મચારીઓએ સ્ત્રીની ઓળખ કરી 19 વર્ષીય યુવતીને વાપીના ડુંગરા વિસ્તારમાંથી ઝડપી લીધી હતી. મૂળ વેસ્ટ બંગાળની આ યુવતીની પૂછપરછ કરતા તેમણે પોતાનો ગુન્હો કબુલ કર્યો હતો. SOG ની ટીમે મહિલાની અટક કરી વધુ તપાસઅર્થે વાપી જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનના હવાલે કરી છે.