કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં ગત રાત્રે એક યુવક ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરીંગ કરનારા અજાણ્યા ઈસમ હોય ફાયરિંગ કર્યા બાદ તે ફરાર થઈ ગયા હતા. જ્યારે ઘાયલ થયેલ મોબાઇલ દુકાનના માલિકને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. છાતી અને સાથળના ભાગે તેમને ગોળી વાગી છે. હાલમાં સારવાર બાદ તે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે
સમગ્ર ઘટના અંગે મળતી વિગતો મુજબ સેલવાસના મેરીગોલ્ડ સામે આવેલ સોની મોબાઈલ નામની દુકાનમાં આનંદ શેઠ નામનો યુવક મોબાઇલના લે વેચ નું અને રીપેરીંગ નું કામ કરે છે. જે ગત રાત્રે 11:00 થી 11:30 વચ્ચે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે જવા નીકળ્યો હતો.
ત્યારે, સેલવાસના દાંડુલ ફળિયા ચાર રસ્તા પાસે બે અજાણ્યા ઈસમોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનામાં તેમને ગોળી વાગતા તે બાઇક પરથી ઘાયલ અવસ્થામાં નીચે ગબડી પડ્યો હતો. ઘટનાની જાણકારી યુવકના પરિવારને થતા યુવકનો પરિવાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં તેઓએ પોતાના બાઈક પર બેસાડી યુવકને સેલવાસની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
ઘટના અંગે પોલીસને પણ જાણકારી આપતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ યુવકને છાતી અને સાથળના ભાગે એમ બે ગોળી વાગી હોય તે સારવાર હેઠળ છે. પરંતુ તે સ્વસ્થ હોવાનું તબીબો એ જણાવ્યું છે. જ્યારે આ ઘટનામાં કોણે શા માટે યુવક પર ફાયરિંગ કર્યું છે. અજાણ્યા ઈસમો કોણ હતાં? તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ઘાયલ યુવકના પરિવારે જણાવ્યું હતું કે તેમને કોઈના ઉપર શંકા નથી. ઘટના કઈ રીતે બની છે તે તેમને ખબર નથી. પોલીસે તપાસમાં જે બહાર આવશે તે બાદ જ સંપૂર્ણ વિગતો જાણવા મળશે. યુવક પર ફાયરિંગની ઘટનાને લઈ સેલવાસમાં ચકચાર મચી ગઇ છે.