વાપી, દમણ અને સેલવાસમાં ધંધા રોજગાર માટે સ્થાઇ થયેલા શીખ સમાજ અને સિંધી સમાજે મંગળવારે તેમના ધર્મગુરુ ગુરુ નાનક સાહેબના 553માં જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી પ્રકાશ પર્વ મનાવ્યું હતું. ગુરુ નાનકદેવ સાહેબની 553મી જન્મજયંતી નિમિતે શીખ સમાજ અને સિંધી સમાજે વાપીના ચણોદ વિસ્તારમાં આવેલ ગુરુદ્વારા ખાતે એકત્ર થઈ આ ઉજવણી કરી હતી.
આ પ્રસંગે ગુરુદ્વારા ખાતે અખંડ પાઠ, પૂજન અર્ચન, કીર્તન સત્સંગ, લંગર પ્રસાદ સહિત અનેકવિધ ધાર્મિક અયોજનો તેમજ રક્તદાન કેમ્પ, મેડિકલ ચેકઅપ કેમ્પ જેવા આયોજનો કર્યા હતાં. ભાવિકોએ ગુરુ નાનક દેવ સાહેબના જીવન ચરિત્રને યાદ કરીને વાહે ગુરુ વાહે ગુરુ ના નાદ સાથે જન્મોત્સવનું હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. ગુરુદ્વારામાં ગુરુ નાનક દેવ સાહેબના જન્મોત્સવ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ભાવિકોની વિશાળ સંખ્યામાં હાજરી જોવા મળી હતી.
ગુરુનાનક દેવજી શીખ ધર્મના સંસ્થાપક જ નહી પરંતુ માનવ ધર્મના ઉત્થાપક પણ હતાં. તેઓ કોઇ એક ધર્મના ગુરુ નહોતા પરંતુ આખી સૃષ્ટીના જગદગુરુ હતાં. તેમનો જન્મ પુર્વ ભારતની પાવન ધરતી પર કારતક પુર્ણિમાના દિવસે 1469 માં લાહોર નજીક 40 કિલોમીટરે આવેલ તલબંડી નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કલ્યાણરાય મેહતા હતું અને માતાનું નામ તૃપતાજી હતું.
ગુરુનાનક સાહેબે સંસારમાં રહીને માનવ સેવા કરવી એને જ શ્રેષ્ઠ ધર્મ ગણાવ્યો હતો. ત્યારે વાપીના ચણોદ ખાતે આયોજિત પ્રકાશ પર્વની ઉજવણી પ્રસંગે ગુરુનાનક સાહેબ સાથે રવાબ બજાવતા ગુરુનાનક સાહેબના સાથી ભાઈસાબ ભાઈ મર્દાનાજીના 17માં વંશજ ભાઈ ઇન્દ્રજીત સિંગ અને 18માં વંશજ એવા તેમના પુત્રો વાપી ખાતે કીર્તન કરવા ગુરુની સંગતની સેવામાં ઉપસ્થિત રહ્યા હતાં.