30મી માર્ચ ગુરુવારે સમગ્ર દેશના નાગરિકો રામનવમીની ધૂમધામ પૂર્વક ઉજવણી કરી રહ્યા છે. વાપી જેવા અનેક શહેરોમાં વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ભવ્ય શોભયાત્રાના આયોજન કરવામાં આવ્યા છે. વાપીમાં પણ ભવ્ય શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા દરમ્યાન છીરીમાં શ્રીજી પેટ્રોલિયમ ખાતે રામનવમી નિમિત્તે રામભક્તો પર ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ અનોખા આયોજન અંગે શ્રીજી પેટ્રોલિયમના સંચાલક સમીર પટેલે જણાવ્યું હતું કે, રામનવમી નિમિતે તેમના પેટ્રોલપંપ પર વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ નાસિક ઢોલ વગાડી શોભાયાત્રા ને આવકારવામાં આવી હતી. જે બાદ ફ્લાવર શાવર દ્વારા ફૂલોની વર્ષા કરી શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેસરી ધજાપતાકા હાથમાં લઈ DJ ના તાલે યુવાનો આ શોભાયાત્રામાં જોડાયા છે. ત્યારે, શ્રીજી પેટ્રોલિયમ તરફથી આ અનોખું આયોજન કરી શોભાયાત્રાનો ભાગ બનવાની ખુશી વ્યક્ત કરી હતી.
સમીર પટેલ દ્વારા આ પહેલા પણ છીરી સ્થિત શ્રીજી પેટ્રોલિયમ પર વિશેષ દિવસોની કે પર્વની ઉજવણી કરવામાં આવી ચૂકી છે. જેમાં જ્યારથી આ પેટ્રોલપંપ ની શરૂઆત કરી છે. ત્યારથી વુમન્સ ડે, પર્યાવરણ દિવસ, કસ્ટમર ડે જેવા દિવસોએ વિશેષ આયોજન કરી તેની ઉજવણી કરવામાં આવે છે. અને સમાજમાં જાગૃતિનો સંદેશ ફેલાવતા આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે રામનવમીની શોભાયાત્રા દરમ્યાન શ્રીજી પેટ્રોલપંપ પર ફ્લાવર શાવર દ્વારા ભવ્ય સ્વાગત કરતા શોભાયાત્રામાં જોડાયેલ રામભક્તોએ પણ જય શ્રી રામના ગગનભેદી નારા લગાવ્યા હતાં. DJ ના તાલે વાગતા ગીતોના સથવારે યુવાનો નાચ્યાં હતાં. બાઇક-કાર સાથેની આ શોભાયાત્રાને ત્યાર બાદ શ્રીજી પેટ્રોલિયમ ના સંચાલક સમીર પટેલે આગળના રૂટ તરફ રવાના કરી હતી.