કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં 30મી ઓક્ટોબરે સંસદીય પેટા ચૂંટણી છે. ત્યારે આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાંવિતના ચૂંટણી પ્રચારમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ મંગળવારે સેલવાસ આવ્યાં હતાં. સેલવાસમાં પાટીલે મહારાષ્ટ્રિયન સમાજના આગેવાનોને સંબોધન કરી પાટીલે કહ્યું હતું કે, શિવસેના ઘર બદલતો પક્ષ છે. અહીં જેને ટીકીટ આપી છે તે પાર્ટી બદલતો પરિવાર છે. આ આક્ષેપો બાદ શિવસેના તરફથી એક અખબારી યાદી જાહેર કરી છે કે ભાજપના ઉમેદવાર જ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યાં છે. એટલે પાટીલના આહવાન પર ભાજપના કાર્યકરો મૂંઝાયા છે.
દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણીમાં ભાજપે પોતાના ધુરંધર નેતાઓને ચૂંટણી પ્રચારમાં ઉતારી દાદરા નગર હવેલીની સીટ કોઈપણ સંજોગોમાં જીતવી તેવો નીર્ધાર કર્યો છે. ભાજપ તરફી અચાનક મતદારોનો જુવાળ હોવાનું ધ્યાને આવ્યા બાદ ભાજપે હાલ સ્ટાર પ્રચારકોને બોલાવી ધૂંઆધાર ચૂંટણી પ્રચાર કરવાનું મન બનાવ્યું છે.
જેના ભાગ રૂપે મહાષ્ટ્રિયન મતદારો ભાજપના ઉમેદવાર મહેશ ગાંવિત તરફી મતદાન કરે તે માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે સેલવાસમાં મહારાષ્ટ્રિયન સમાજના આગેવાનોને સંબોધ્યા હતાં. જેમાં તેમણે શિવસેના પર આકરા પ્રહારો કર્યા હતાં. કે, બાલા સાહેબ ઠાકરે વચન બદ્ધ હતાં. તેઓ ક્યારેય બીજા પક્ષ સામે ઝુક્યા નહોતા. જ્યારે હાલમાં શિવસેના પાર્ટી ઘર બદલતી પાર્ટી બની ગઈ છે. એ જ રીતે અહીંના તેમના ઉમદેવાર જે પરિવારમાંથી આવે છે તે પરિવાર પણ ભાજપ, કોંગ્રેસ, અપક્ષ એમ પાર્ટી બદલતો પરિવાર છે. ગત ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારને 4 હજાર મત મળ્યા હતાં. આ વખતે એટલા પણ ના મળે તે દરેક ભાજપના કાર્યકરે જોવાનું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ઘર બદલવા વાળાને અને પોતાના હિત સાચવવાવાળાને મહારાષ્ટ્રમાં કોઈ સ્થાન નથી. અહીંના ઉદ્યોગપતિઓ તેમને કહે છે કે આને રોકો! પહેલા કનડગત કરવા વાળો એક હતો હવે 2 થશે. તેવી ટકોર પાટીલે કરી હતી.
તો, આ આક્ષેપો બાદ શિવસેનાના ઉમેદવારના ચુંટણી અધિકૃત કૌશિલ શાહે પણ એક અખબારી યાદી બહાર પાડી પલટવાર કર્યો છે. કૌશિલ શાહે લખ્યું છે કે, ગુજરાત ભાજપાના અધ્યક્ષ સી.આર. પાટીલે મરાઠી સમાજની સભામાં આહ્વાન કર્યું કે તમે દલબદલુ ને મત નહી આપશો. આ આહ્વાન પછી દાનહના મરાઠી સમાજના મતદારો મુઝવણમાં મુકાય ગયા હતા , કારણ કે હાલના ભાજપાના પ્રત્યાશી પોતે અગાઉ 2015 માં કોંગ્રેસના ચિન્હ પર ચુંટણી લડી જિલ્લા પંચાયતના ઉપાધ્યાક્ષ બન્યા હતા.
ત્યાર બાદ 2019 માં અપક્ષ સાથે રહ્યા અને 2020 માં ભાજપામાં જોડાયા છે.
આજ સભામા સી.આર.પાટીલે અન્ય એક આહ્વાન કર્યું હતું કે પોતાના અંગત હિત ને જ મહત્વ આપતા ઉમેદવારને મત નહી આપતા. જ્યારે અહીં અંગત હિતોને સાધવા ખામોશી ધારણ કરી ફક્ત પ્રશાસનના અધિકારીઓની કઠપૂતળી બની જાય એ બધા સી.આર.પાટીલ સાહેબની પાછળ જ હતા. જ્યારે કે સ્વ.સાંસદ મોહન ડેલકર હંમેશા જનહિત અને જનતાની સમસ્યાઓના નિરાકરણ માટે પોતાના છેલ્લા શ્વાસ સુધી પ્રશાસન સામે બાથ ભીડતા રહ્યા હતા.
કૌશિલ શાહે પાટીલના આક્ષેપોના પ્રતિઆક્ષેપો સાથેની અખબારી યાદીમાં દાનહના મતદારો મુઝવણમા મુકાય ગયા છે કે ગુજરાત ભાજપાના વરિષ્ઠ નેતા કોના પક્ષમાં ચુંટણી પ્રચાર કરી ગયા? તેવો પ્રશ્નાર્થ કર્યો છે.