વાપી નજીક આવેલ સમર્પણ જ્ઞાન સ્કૂલ ખાતે તાલુકા કક્ષાની ખો-ખો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ વાપી તાલુકાની 14 શાળાના 350 જેટલા વિદ્યાર્થીઓ ની બનેલ ટીમ વચ્ચે યોજાઈ હતી. જેમાં અન્ડર 14, અન્ડર 17 અને અન્ડર 19 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટ અંગે સમર્પણ જ્ઞાન સ્કૂલના પ્રિન્સિપાલ પાર્વતી પીથાનીએ જણાવ્યું હતું કે, સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા આ ખો-ખો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ દરમ્યાન કોઈ ખેલાડીને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે સ્કૂલ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પર્ધકોને જરૂરી તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, ઓલમ્પિકમાં શાળાના બાળકો પણ પોતાની પ્રતિભાના દર્શન કરાવી દેશનું ગૌરવ વધારી શકે, ખેલને વધુ ઊંચાઈ પર લઈ જઈ શકે તેવા ઉદેશથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક એક ગ્રૂપ કુલ 12 મેચ રમશે જેમાંથી વિજેતા ટીમનું સિલેક્શન કરી તેને ડિસ્ટ્રીકટ લેવલે મોકલવામાં આવશે. જ્યાંથી વિજેતા બનશે તે ટીમ તે બાદ સ્ટેટ લેવલે રમશે. અને તે બાદ નેશનલ લેવલની મેચ રમી શકશે.