વલસાડ જિલ્લાની સૌથી વધુ રેવન્યુ આપતી છીરી ગ્રામ પંચાયતમાં પ્રિ-મોન્સૂનની કામગીરીમાં પંચાયતે વેઠ ઉતારી હોય તેવી તસવીરો સામે આવી છે. GIDC વાપીના વિસ્તારને લગોલગ આવેલ છીરી ગામ માં પંચાયતે મોટા ઉપાડે ગટર, સ્ટ્રોમ વોટર ડ્રેઈનના કામ તો કરી બતાવ્યા છે. પરંતુ તેની સફાઈમાં જાણે બેદરકારી દાખવી હોય તેવી આ તસવીરો છે. તો, તસવીરો સાથે GIDC માં આવેલ કંપનીઓ પણ તેમની સોશ્યલ રિસ્પોન્સિબિલિટીમાં લગોલગ આવેલ છીરી ગ્રામપંચાયતના ગ્રામજનોની સ્વાસ્થ્યની જવાબદારી નિભાવવામાં ચૂક રહી હોવાનું જણાય રહ્યું છે.
એક તરફ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. બીપરજોય વાવાઝોડાને લઈ હાલ વરસાદી અમીછાંટણા વરસી રહ્યા છે. જે આગામી દિવસોમાં ધોધમાર સ્વરૂપે વરસશે. ત્યારે વરસાદી પાણીનો કોઈ સ્થળે ભરાવો ના થાય તે માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પ્રિ-મોન્સૂન માટે વિશેષ ભંડોળ ફાળવી સ્ટ્રોમ વૉટર ડ્રેઇનની અને અન્ય ગટરની સાફ સફાઈ હાથ ધરતી હોય છે. જો કે છીરી ગ્રામ પંચાયતમાં ખુલ્લી ગટરો ગંદા પાણીથી અને કંપનીઓના ગંદા કચરા સહિતના વેસ્ટથી ઉભરાઈ રહી છે. જે આ ચોમાસામાં રોગચાળાને નોતરું આપી રહી છે.
રોગચાળાની વાત ને લઈને અહીં ઉલ્લેખ કરવો રહ્યો કે, છીરી ગ્રામ પંચાયતની હદને લગોલગ GIDC ની હદમાં આવેલ કંપનીઓ પણ આ માટે જવાબદાર છે. આ કંપનીઓની દીવાલ નજીકથી આ ગટર પસાર થાય છે. ગટર ઠેરઠેર તૂટેલી હાલતમાં હોય ગટરનું ગંદુ પાણી આસપાસના પ્લોટમાં જમા થતું હોય તેના ખાબોચિયા રચાઈ રહ્યા છે. જેનાથી લોકો વિવિધ પાણીજન્ય રોગચાળાનો ભોગ બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, હુબર ઇન્ડિયા દ્વારા હાલમાં જ મેડિકલ અને તબીબી સ્ટાફ સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ઘર બેઠા સ્વાસ્થ્યનો લાભ આપવા 2 મોબાઈલ મેડિકલ વેનની શરૂઆત કરી છે. ત્યારે આ પ્રકારે અન્ય કંપનીઓ પણ પહેલ કરશે તો, છીરીના લોકોને ઘરબેઠા આરોગ્યનો લાભ મળશે. જે પંચાયતની પ્રિ-મોન્સૂન કામગીરીની લાલીયાવાડીમાં પણ ગ્રામજનોનું સ્વાસ્થ્ય બરકરાર રાખવામાં મદદરૂપ થશે.