Monday, September 16News That Matters

દમણગંગા ઇન્ટેકવેલ નજીક ઠલવાઇ રહ્યું છે ગટરનું ગંદુપાણી! ઉદ્યોગકારો માટે ઘર બેઠે ગંગા જેવો લાભ!

વર્ષો પહેલાની હડપ્પા સંસ્કૃતિમાં નગર રચના, વેપાર, પાણીની વ્યવસ્થા અંગે લોકો કેટલા જાગૃત હતાં. તેના લેખો આજે આપણને પુસ્તક રૂપે તેમજ ડિજિટલ રૂપે વાંચવા મળે છે. હડપ્પા સંસ્કૃતિની નગર રચનામાં દરેક ઘરમાં પીવાનું પાણી અને ઘર વપરાશ બાદ બહાર કાઢવામાં આવતું ગટર વાટેનું પાણી અલગ હોવું જોઈએ એ સમજણ હતી. જો કે આજના આધુનિક યુગમાં અનેક પાણીજન્ય બીમારીઓ થઈ રહી છે. ત્યારે પણ આપણે એ વ્યવસ્થા ઉભી કરવામાં ઉણા ઉતર્યા છીએ. જેનું ઉત્તમ ઉદાહરણ વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદી છે.
દમણગંગા નદી વાપી વાસીઓ માટે જ નહીં પરંતુ અહીં સ્થપાયેલા ઉદ્યોગો માટે જીવાદોરી સમાન છે. દમણગંગા નદીનું પાણી ઇન્ટેકવેલ મારફતે ફિલ્ટ્રેશન કરી નગરપાલિકા વિસ્તારમાં, નોટિફાઇડ વિસ્તારમાં અને GIDC વિસ્તારમાં પૂરું પાડવામાં આવે છે. આ જે પાણી વાપીના લોકો પીવા માટે ઉપયોગ કરે છે. તેમને ખ્યાલ જ નથી કે દમણગંગા નદીમાંથી મળતું પાણી જ ગટર મારફતે ફરી આ જ નદીમાં અને એ પણ જ્યાંથી પાણી અપાય છે. તેની નજીક જ ચોખ્ખા પાણીમાં ભળી રહ્યું છે. 
શહેરના લોકોને એમ છે કે તેમના ઘરમાં કે ધંધાના સ્થળે વપરાયેલ ગંદુ પાણી ગટર મારફતે ક્યાંક બીજે છોડવામાં છે. પરંતુ તે આ નદીમાં જ પરત છોડવામાં આવે છે. અધૂરામાં પૂરું વળી આ ગટરનો લાભ GIDCના ઉદ્યોગકારો પણ ઉઠાવે છે. તેઓ તેમનું ગંદુ પાણી CETP માં મોકલવાને બદલે આવી ખુલ્લી ગટરમાં ઠાલવી દે છે. એટલે વાપી શહેર અને GIDC માંથી ગટરમાં જતું ગંદુ પાણી શહેરના છેવાડા સુધી તો પાકી ગટર માં વહે છે. પરંતુ તે બાદ તે વોકળા સ્વરૂપે દમણગંગા ફિલ્ટ્રેશન-ઇન્ટેકવેલ નજીક ફરી નદીમાં ઠલવાય છે.
આ ગંદા પાણીના અનેક ખાબોચિયા દમણગંગા નદી નજીક ભરાયા છે. પાણી જમીનમાં પચતું હોય દમણગંગા વિયરથી લઈને છેક ચણોદ- હરિયાપાર્ક ખાડી સુધી ઘેઘુર જંગલ ઉભું થયું છે. આગામી દિવસોમાં આ જ જંગલનો સફાયો કરી જમીન સમથળ કરી ઉદ્યોગો સ્થપાવાના છે. અહીંથી જ પાકી સડક વાહનોના આવાગમન માટે બનવાની છે. આ ઉદ્યોગકારો માટે ઘર બેઠે ગંગા જેવો લાભ મળવાનો છે. ત્યારે જે રીતે આડેધડ પર્યાવરણને નુકસાન પહોંચાડતા એકમો સ્થાપી વાપીમાં પ્રદુષણ ફેલાવવા આંખ આડા કાન કર્યા છે તેમ જો આ ગંદા પાણીના નિકાલ બાબતે પણ આંખ આડા કાન કરવામાં આવશે તો વાપીવાસીઓ માટે હવા બાદ અહીંનું પાણી પણ જીવલેણ રોગો આપતું સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *