Friday, February 28News That Matters

માર્બલ ના વેપારીઓને બ્લેકમેઇલ કરતા પિતા-પુત્ર અને વકીલને સેલવાસ પોલીસે 5 લાખની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યા

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં નરોલી વિસ્તારમાં માર્બલ ના વેપારીઓને માર્બલ સ્લરી ડમ્પ કરવા સંદર્ભે વકીલ મારફતે નોટિસ મોકલાવી બ્લેકમેઇલ કરી પૈસા પડાવતા પિતા-પુત્ર અને વકીલ મળી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ કેસમાં પાંચ લાખ રૂપિયા પણ જપ્ત કર્યા છે. 
સેલવાસ પોલીસે આપેલી વિગતો મુજબ એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે નરોલીમાં રહેતા પિતા-પુત્ર તેને અને અન્ય માર્બલ ઉદ્યોગોના વેપારીઓને માર્બલ સ્લરી ડમ્પ કરવા સંદર્ભે નોટિસ મોકલાવતા હતા અને કાનૂની કાર્યવાહીના બહાને પૈસાની માંગ કરી બ્લેકમેઇલ કરી રહ્યા છે. જે સંદર્ભે સેલવાસ પોલીસે ગુનો નોંધી નરોલી ચોકી ઇન્ચાર્જ PSI સુરજ રાઉતને તપાસ સોંપી હતી.
જે તપાસ દરમ્યાન નરોલી માં રહેતા અશોકસિંહ પ્રભાતસિંહ રાઠોડને ફરિયાદી પાસેથી પાંચ લાખ રૂપિયા રોકડા લેતા તેને રંગેહાથ પકડવામા આવ્યો હતો. ત્યારબાદ તેમના પુત્ર પૃથ્વીરાજ અશોકસિંહ રાઠોડ અને એડવોકેટ વિશાલ કન્હૈયાલાલ શ્રીમાલીની પણ ધરપકડ કરવામા આવી હતી.
પકડાયેલ આ ત્રણેય આરોપીઓએ પ્રદેશની મોટી હસ્તીઓને પણ ઘણીવાર બ્લેકમેલિંગ કરી ઉઘરાણી કરી છે. આ કેસમા તેવો મારબલના વેપારીઓને માર્બલ ના વેસ્ટ ભુક્કાને અન્યત્ર ડમ્પ કરવા મામલે સૌ પહેલા વકીલ મિત્ર મારફતે નોટિસ મોકલી તે બાદ પતાવટ કરવાના બહાને મોટી રકમની માંગણી કરતા હતાં. હાલ સમગ્ર મામલે સેલવાસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જો કે પ્રાથમિક તપાસમાં મળેલી વિગતો મુજબ નરોલીમાં રહેતા આરોપીઓ અશોકસિંહ રાઠોડ દસમુ પાસ છે અને પરિવહન વ્યવસાય સાથે જોડાયેલ છે. જેના ઉપર વર્ષ 2007મા પણ આઇપીસી ધારા 451, 323, 504, 506 મુજબ ગુનો નોંધાયો હતો. જ્યારે આ બ્લેકમેઇલના કારસામાં સામેલ તેમનો પુત્ર પૃથ્વીરાજ રાઠોડ LLB ફાઇનલ વર્ષમા અભ્યાસ કરે છે. જેઓ બને સેલવાસના વકીલ વિશાલ શ્રીમાળી મારફતે માર્બલ ના ઉદ્યોગકારો ને નોટિસ મોકલી પૈસા પડાવતા હતા.
આ મહત્વના કેસમાં પીઆઇ હરિશસિંહ રાઠોડ, PSI જીગ્નેશ પટેલ, શશીકુમાર સિંહ અને નિલેશ કાટેકર ની એક ટીમ બનાવવામા આવી હતી. જેઓએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છટકું ગોઠવી રેઇડ કરી 5 લાખની રકમ સ્વીકારતા હોય તે સમયે દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *