Thursday, November 21News That Matters

ઉમરગામ તાલુકાના સરોન્ડા ગામે તળાવની માટી ઉલેચાઈ ગઈ, તંત્ર અંધારામાં

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરોન્ડા ગામે ભુમાફિયાઓ અને ગામના સરપંચે ખાણ ખનીજ વિભાગની મંજૂરી વિના જ તળાવ ખોદી તેમાંથી બરોબાર માટીનો વેપલો કરી નાખ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ અંગે ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગામમાં સૂઝલામ સુફલામ યોજના હેઠળ 5 તળાવનો સમાવેશ કર્યા બાદ માત્ર 2 તળાવના એગ્રીમેન્ટ્સ કર્યા હોય એગ્રીમેન્ટ્સ વિનાના તળાવમાંથી પણ ગેરકાયદેસર માટી ઉલેચવામાં આવી હોવાની રાવ ગામના જાગૃત નાગરિકોએ કરી હતી. 
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સૂઝલામ સુફલામ અભિયાન હેઠળ તળાવ ઊંડા કરવા, નદી-નાળાની સફાઈ કરી જળસંચય અભિયાન શરૂ કર્યું છે. NGOની ભાગીદારી સાથેની આ યોજનામાં છેલ્લા ત્રણ વર્ષથી અનેક ગામોમાં માટીના વેપલાનો રીતસરનો કારોબાર ધમધમી રહ્યો છે. વલસાડ જિલ્લામાં પણ હાલ કેટલાક ભુમાફિયાઓએ ગામના સરપંચ, સરકારી અધિકારીઓ સાથે મળી એવા કેટલાય તળાવો ખોદી નાખ્યા છે. જેની મંજૂરી મેળવવામાં આવી જ નથી. એવો જ કિસ્સો ફરી એકવાર ઉમરગામના સરોન્ડા ગામનો પ્રકાશમાં આવ્યો છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરોન્ડા ગામમાં 5 તળાવનો સૂઝલામ સુફલામ અભિયાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે આ 5 તળાવો અનુક્રમે ઘેટિયું તળાવ, વાણિયું તળાવ, વાકડીયું તળાવ, કોટલાવ તળાવ અને ભૂંડણીયું તળાવનો સમાવેશ થાય છે. જે તમામ તળાવને ઊંડા કરવાની કામગીરીનો 2 અલગ અલગ એજન્સીઓએ કરાર કર્યો છે.  આ કરાર હેઠળ હાલ ગામના તળાવની માટી ખોદી તેના વેપલાનો ભ્રષ્ટાચાર છતો થયો છે.
સરોન્ડા ગામના પાંચ તળાવમાંથી માત્ર બે તળાવ ઊંડા કરવાના એગ્રીમેન્ટ થયા છે. જ્યારે બાકીના તળાવોમાં હજી સુધી કોઈ એગ્રીમેન્ટ્સ થયા જ નથી. પરંતુ તળાવમાંથી માટી ખોદી તેને અન્યત્ર મોકલવાની કામગીરી હાથ ધરાઈ ચુકી છે. ભૂંડણીયું તળાવ પણ એમાંનું જ તળાવ છે જેના એગ્રીમેન્ટ્સ થયા વિના જ તળાવની માટી ઉલેચવાનું શરૂ કરી દીધું છે.
આ અંગે તળાવમાંથી માટી ખોદી બીજે મોકલવા માટે સુમિત નામના જેસીબી અને ટ્રક ધરાવતા માલિકે અને તેના પાર્ટનરે જણાવ્યું હતું કે તેને સરપંચે કહ્યું છે. એટલે તેઓ માટી કાઢી અન્યત્ર જ્યાં જેને જરૂરિયાત હોય તેને આપે છે. સરપંચ નરોત્તમ પટેલે આ અંગે જણાવ્યું હતું કે તે ગામના સરપંચ છે ગામમાં તળાવની માટી કાઢી તળાવને ઊંડું કરવાની કામગીરી માટે પંચાયતે ઠરાવ કરીને આપેલ છે. જો કે બંને ઈસમો પાસે ઠરાવની નકલ માંગતા તેમણે ગલ્લાતલા કર્યા હતાં.

જ્યારે સૂઝલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ દમણગંગાના નોડલ અધિકારી સાથે વાત કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે ગામના 5 તળાવના સૂઝલામ સૂઝલામ અભિયાનમાં નામ છે. પરંતુ તળાવ ઊંડું કરવા માટેનું જે એગ્રીમેન્ટ્સ થવા જોઈએ તે માત્ર 2 તળાવના જ છે. જ્યારે અહીં ભૂંડણીયું તળાવમાંથી માટી કાઢી તેનો વેપલો શરૂ થયો છે.
સરોન્ડા ગામે એગ્રીમેન્ટ્સ વિના જ તળાવની માટીનું રોયલ્ટી ચોરીનું મસમોટું કૌભાંડ ખનીજ માફિયાઓએ આચરી દીધું છે. જેમાં  વલસાડ જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા છે. અથવા તો તળાવની માટી ચોરીના વેપલામાં જેમ દમણગંગા નહેર વિભાગના અધિકારીઓની મીઠી નજર હેઠળ આ કામગીરી ચાલી રહી છે. તેમાં તેની પણ મિલીભગત હોઈ શકે છે. માટી ખનન અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે સૂઝલામ સુફલામ યોજના હેઠળ પણ તળાવને ઊંડું કરવાની કામગીરી હાથ ધરતા પહેલા મંજૂરી લેવી જરૂરી છે. હાલમાં તેમની પાસે એવી કોઈ મંજૂરી મેળવી નથી. સરોન્ડા ગામ અંગે જે વિગતો મળી છે તે અંગે તપાસ કરી કાર્યવાહી કરીશું.

 

ઉલ્લેખનીય છે કે દમણગંગા નહેર વિભાગ હસ્તક ઉમરગામ તાલુકાના 47 તળાવો, ધરમપુર તાલુકાના 31 તળાવો ઊંડા કરવાની, સાફસફાઈ કરવાની જ્યારે વાપીમાં મોરાઈ ગામે બીલખાડી, ડુંગરા ગામે દમણગંગા નદીની સાફસફાઈની કામગીરી સૂઝલામ સુફલામ યોજના હેઠળ હાથ ધરવામાં આવનાર છે. પરંતુ 31મી મેં સુધીમાં પૂર્ણ થનાર આ અભિયાન હેઠળ ઉમરગામના 47 પૈકી 19 તળાવના એગ્રીમેન્ટ્સ થયા છે. બાકીના તળાવ ને ઊંડા કરવાના એગ્રીમેન્ટ્સ થયા નથી. 60 ટકા સરકાર અને 40 ટકા NGO ની ભાગીદારીમાં હાથ ધરાનારા આ અભિયાનમાં સરકારી ચોપડે એગ્રીમેન્ટ્સ થયેલા તળાવમાંથી અડધા તળાવમાં પણ કામગીરી શરૂ થઈ નથી. જ્યારે એગ્રીમેન્ટ્સ વિનાના આખેઆખા તળાવ જ ખોદાઈ રહ્યા છે. ત્યારે ગામલોકોનું માનવું છે કે જો યોગ્ય તપાસ થાય તો માટી ચોરીનું ખૂબ મોટું કૌભાંડ સામે આવે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *