Friday, October 18News That Matters

વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની 52મી AGM માં સતીશ પટેલની VIA ના પ્રમુખ તરીકે નિમણૂક

વાપીમાં શનિવારે 5મી મેં 2023ના VIA ઓડિટોરિયમ ખાતે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ની 52મી Annual General Meeting (AGM)નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલ આ વાર્ષિક સામાન્ય સભામાં તમામ VIA ના મેમ્બરોની ઉપસ્થિતિમાં સતીશ પટેલને વર્ષ 2023થી 2026 ના કાર્યકાળ માટે પ્રમુખ તરીકેનો કાર્યભાર સોંપાયો હતો.

VIA ની AGM માં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે સંકળાયેલ તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. આ તમામ ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં VIA માં 6 વર્ષથી સેક્રેટરી તરીકે સેવા બજાવતા સતીશ પટેલને VIA ના નવા પ્રમુખ ઘોષિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, પ્રકાશ ભદ્રા, યોગેશ કાબરીયાના કાર્યકાળ દરમ્યાન વાપીના ઉદ્યોગોના હિતમાં લેવાયેલા નિર્ણયો, વિકાસના કાર્યોની વિગતો સભ્યો સમક્ષ રજુ કરવામાં આવી હતી.

AGMમાં પાછલા વિકાસના કાર્યો નો હિસાબ આપ્યા બાદ નવા પ્રમુખ તરીકે સતીશ પટેલની નિમણૂક કરી હતી. જે અંગે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન છેલ્લા 50 વર્ષથી કાર્યરત છે. આ ટીમમાં જે પણ પ્રમુખ સહિતના હોદ્દેદારો નિમાયા છે. તેમણે સરસ કામગીરી કરી છે. આજથી વીઆઇએ ના નવા પ્રમુખ તરીકે સતિષ પટેલની વરણી કરવામાં આવી છે.  ભૂતપૂર્વ ટીમની જેમ જ હાલમાં બનેલી આ યુવાનોની નવી ટીમમાં કામ કરવા માટેનું ચોક્કસ વિઝન છે. જે વિઝન હેઠળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, Deep Sea પાઇપલાઇન જેવા વિકાસના કામો કરવાના છે. તે પૂર્ણ કરી વાપીના વિકાસના પોતાનો સિંહ ફાળો આપશે.

તો, નવા પ્રમુખ પદે વરણી પામેલા VIA ના પ્રમુખ સતીશ પટેલે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં વર્ષ 2023 થી 2026 ના પદ ભાર માટે તેમની પસંદગી કરવામાં આવી છે. તે બદલ VIA એસોસિયેશનના તમામ મેમ્બરો, એડવાઈઝરી કમિટીના મેમ્બરો અને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈનો વિશેષ આભાર માની જણાવ્યું હતું કે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ છેલ્લા 10 વર્ષથી VIA માં કાર્ય કરી રહ્યા છે. કનુભાઈ દેસાઈના હાથ નીચે ઘડાઈને જ છ વર્ષથી સેક્રેટરી પદે રહી ચૂક્યા છે. હવે પ્રમુખ પદે તેમની નિમણૂક થઈ છે. વાપી ઔદ્યોગિક વિસ્તારમાં અને સમગ્ર વલસાડ જિલ્લામાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ અનેક વિકાસના કામ કર્યા છે. સતત તેમની સાથે તેમની કાર્ય પદ્ધતિ નિહાળવાનો અને કામ કરવાનો મોકો મળ્યો છે.

આવનારા સમયમાં વીઆઇએના પ્રમુખ પદ પર રહી વાપીના ઉદ્યોગકારોના અને શહેરની જનતાના દીકરા દીકરીઓ માટે અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની નેમ છે. આ અધ્યતન સ્પોર્ટ કોમ્પ્લેક્સ બન્યા બાદ યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવાની નવી તક પ્રાપ્ત થશે. એ જ રીતે વાપીના ઉદ્યોગો માટે મહત્વની કહેવાતી CETP થી દરિયા સુધીની ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ માટે પણ નાણાપ્રધાને પોતાના બજેટમાં વિશેષ ભંડોળ ફાળવ્યું છે. જેનો ઉપયોગ કરી આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. VIA ઓડિટોરિયમને છેલ્લા 25 વર્ષ થઈ ચૂક્યા હોય આ ઓડિટરિઓના સ્થાને નવું અધ્યતન ઓડિટોરિયમ બનાવવાનું વિઝન છે. આ મહત્વના કાર્યો ઉપરાંત વાપીના ઉદ્યોગના વિકાસમાં અને પર્યાવરણ ક્ષેત્રે મહત્વનું કામ કરવા કટિબદ્ધતા દર્શાવીશું.

સતિષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈને વલસાડ જિલ્લાના ચાણક્ય કહેવાય છે. તેમની ચાણક્ય નીતિ અને કાર્ય પદ્ધતિથી વાપીના વિકાસમાં અનેકગણો ફાયદો થયો છે. ત્યારે આ AGM ની મિટિંગમાં તેમણે વધુ એક શીખ આપી હતી કે વિકાસના કામ માટે હંમેશા રહેવું જોઈએ. દરેક કામની વિગતવાર માહિતી મેળવવી જોઈએ. લોકોના કામ માટે અડધી રાત્રે પણ કામ કરવાની જિજ્ઞાસા હોવી જોઈએ. તેઓ પોતે દૈનિક 18-18 કલાક કામ કરે છે અને સતત વિકાસના કામોમાં તત્પર રહે છે. તેવી તત્પરતા વાપીના વિકાસના દરેક કામમાં બતાવતા રહેવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે VIA ની 52મી AGM માં નવા પ્રમુખ તરીકે સતીશ પટેલની વરણી કરવામાં આવી હતી. એ ઉપરાંત અન્ય વિવિધ હોદ્દાઓ માટે હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી. આ પ્રસંગે વીઆઇએના ભૂતપૂર્વ પ્રમુખો, વીઆઇએના સભ્યો, ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામે સતીશ પટેલ ને નવા પ્રમુખ બનવા બદલ શુભકામનાઓ પાઠવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *