સરીગામ GPCB દ્વારા ગુરુવારે સરીગામની આરતી ડ્રગ્સ લિમિટેડ નામની કંપનીમાંથી પાનોલી જતા સોલીડવેસ્ટ ભરેલ ટ્રક ને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. GPCB એ આરતી ડ્રગ્સ લિમિટેડ માં તપાસ કરી બિલ પુરાવા વિના સગેવગે થતા સોલીડવેસ્ટ મામલે કંપનીમાથી અને ટ્રકમાથી સોલીડવેસ્ટના નમૂના લઈ રિપોર્ટ તૈયાર કરી વડી કચેરીને સુપ્રત કર્યો છે.
આ અંગે GPCB સરીગામ તરફથી મળેલ વિગતો મુજબ ગુરુવારે સાંજે તેમની ટીમને જાણકારી આપવામાં આવી હતી કે હાઇવે નમ્બર 48 પર રઘુનંદન હોટેલના પાર્કિંગમાં સવારથી એક શંકાસ્પદ ટ્રક અન્ય ટ્રકની આડમાં પાર્ક થયેલ પડ્યો છે. અને તેનો ડ્રાઇવર ગુમ છે.
આ જાણકારી બાદ GPCB સરીગામના અધિકારી રાજેશ મહેતા તેમની ટીમ સાથે હોટેલ રઘુનંદન પર પહોંચ્યા હતાં. જ્યાં પાર્ક થયેલ ટ્રક નંબર MH04-EL-3892ની તલાશી લઈ ટ્રક ના માલિક-ડ્રાઇવરની ભાળ મેળવવા કોશિશ આદરી હતી. રાત્રે 10 વાગ્યા બાદ ટ્રકનો ડ્રાઇવર આવ્યો હતો. જેની પૂછપરછ કરતા ટ્રક માં સોલીડવેસ્ટ ભર્યો હોવાનું જણાવી આ સોલિડ વેસ્ટ સરીગામની આરતી ડ્રગ્સ લિમિટેડમાંથી ભરીને પાનોલી ખાલી કરવા લઈ જતો હોવાનું જણાવ્યું હતું.
જેની પાસે તેના બિલ પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો નહોતો. ટીમે ટ્રકમાં ભરેલ સોલીડવેસ્ટ ના સેમ્પલ લીધા હતા. જે બાદ આરતી ડ્રગ્સ લિમિટેડમાં જઇ પ્લાન્ટમાં તપાસ કરી ત્યાં પડેલ સોલિડવેસ્ટ ના સેમ્પલ પણ એકત્ર કર્યા હતાં. હાલ આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી તેનો રિપોર્ટ વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સરીગામ ઔદ્યોગિક વસાહતમાંથી મોટેપાયે કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર વેપલો ચાલી રહ્યો છે. આ પહેલા પણ અનેક વખત સરીગામથી કપરાડા, અંકેલશ્વર, મહેસાણા, ભરૂચ, પાનોલી જેવા વિસ્તારમાં ગેરકાયદેસર મોકલાતા સોલીડવેસ્ટનો જથ્થો અલગ અલગ ટ્રક, ડમ્પર, ટેન્કરમાં પકડાઈ ચુક્યો છે. દર વખતે GPCB આવા તત્વો સામે, ઉદ્યોગો સામે દંડની કાર્યવાહી કરે છે કે જો કે તેમ છતાં થોડાઘણા પૈસા બચાવવા લાલચુ લોકોને કામ સોંપી પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે. જેની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પર્યાવરણ પ્રેમીઓમાં ઉઠી છે.