Sunday, December 22News That Matters

સાપુતારા વિશ્રામ ગૃહમાં કારભારીઓના બતાવવાના અને ચાવવાના જુદા દાંત જેવી સ્થિતિ, વિશ્રામ ગૃહ કૌભાંડોનું પણ ગૃહ હોઈ શકે તપાસ જરૂરી….!

સાપુતારા ખાતે ઉંચી તળેટી પર આવેલા R&B સંચાલિત સર્કિટ હાઉસમાં અનેક અસુવિધાઓએ કારીભારીઓના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા જેવી પોલ ખોલી નાખી છે. આ વિશ્રામ ગૃહમાં આવેલા રૂમમાં બાબા આદમના જમાનાના ફર્નિચર, કામ નહીં આપતા ગીઝર, અજવાળા માટે લાઈટો સહિત રૂમના દરવાજા અને તેના લોક પણ તકલાદી હાલતમાં છે. આ અંગે મુખ્ય અધિકારીઓએ તપાસ કરવી જરૂરી છે. જો વિશ્રામ ગૃહ નું રજીસ્ટર, CCTV આધારે કામ કરતા કામદારોની ગતિવિધિ, આવનજાવન કરતા મહેમાનોની વિગતો એકઠી કરવામાં આવે તો આ વિશ્રામ ગૃહ કદાચ કૌભાંડોનું પણ ગૃહ હોવાનું બહાર આવી શકે છે.
એક તરફ મસમોટી ગ્રાન્ટમાંથી સાપુતારા ના આ વિશ્રામ ગૃહમાં અદ્યતન સુવિધાઓ પુરી પાડી હોવાની પ્રતીતિ કરાવાય છે. તો, બીજી તરફ આ જ વિશ્રામ ગૃહમાં સુવિધાઓનો અભાવ અહીં રોકાણ કરતા પ્રવાસીઓમાં કચવાટ ઉભો કરી રહ્યો છે. સર્કિટ (રેસ્ટ) હાઉસમાં પ્રવાસી સિઝન બાદ અહીં કોઈ કાયમી સંચાલક નથી. સર્કિટ હાઉસમાં ગણતરીના 2-4 જણાનો સ્ટાફ છે. સુરત બેસેલા સંચાલકના આદેશ અનુસાર દરેક મહેમાનની આગતા સ્વાગતતા કરાય છે. જો કે, બોડી બોમણીના ખેતર સમાન બનેલું આ વિશ્રામ ગૃહ નવા વાઘા સાથે પણ બદતર હાલતમાં છે.

વિશ્રામ ગૃહના કેટલાક રૂમમાં તૂટેલા ફૂટેલા પ્લાયવાળું ફર્નિચર છે. આરામ માટેના બેડ જુના પુરાણા અને મરામત માંગતા છે. બાથરૂમમાં ગીઝરની વ્યવસ્થા છે પરંતુ પાણી ગરમ કરવું કે ઠંડા પાણીએ નહાવું સારું એવી કન્ડિશનમાં છે. કેટલાક રૂમમાં ટીવીની કે વધારા ના લાઈટ પોઇન્ટની વ્યવસ્થા નથી. બાથરૂમમાં બારીઓના ગ્લાસ તૂટેલા છે. અથવા ગ્લાસ જ નથી. રૂમમાં ટીપોઈ કે ટેબલ કે સમાન રાખવા માટે કોઈ સુવિધા નથી. એક ડ્રેસિંગ ટેબલ છે જેની પ્લાય ચારેબાજુથી ઉખડી રહી છે. દરવાજો, દરવાજાના નકુચા, કલેમ્પ, તાળું સુધ્ધાં ગમે ત્યારે હાથમાં આવી જાય એવી હાલતમાં છે.
ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા ગુજરાતનું મહત્વનું હિલ સ્ટેશન છે. પ્રવાસી સિઝન ઉપરાંત પણ અહીં આખું વર્ષ પ્રવાસીઓનો મેળાવડો રહે છે. પ્રવાસીઓ માટે અહીં અનેક સુવિધા સભર હોટેલો છે. ગુજરાત સરકાર પણ આ પ્રવાસન સ્થળને જગવિખ્યાત કરવા માંગતું હોય સરકારી રેસ્ટ હાઉસ સહિતની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જો કે, આ જ સાપુતારામાં R&B સંચાલિત વિશ્રામ ગૃહમાં ઉભી કરેલી સુવિધાઓ દેખાડવાના અને ચાવવાના અલગ દાંત ની કહેવત સમાન છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *