વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે સંજાણ અન્ડરપાસ માં પાણી ભરાયા છે. તો, મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ હોય સંજાણ નજીકથી પસાર થતી વારોલી નદી બે કાંઠે વહી રહી છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે આવેલ રેલવે અન્ડરપાસ વરસાદી માહોલમાં વાહનચાલકો માટે મુસીબત બન્યો છે. સંજાણ અન્ડરપાસમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો એ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
ઉમરગામ તાલુકામાં છેલ્લા 28 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો, ઉપરવાસમાં મહારાષ્ટ્ર ના વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેનું વરસાદી પાણી સંજાણ નજીક પસાર થતી વારોલી નદીમાં આવતા નદી બે કાંઠે વહી રહી છે. રવિવારથી વરસી રહેલો વરસાદ સંજાણ વાસીઓ માટે આપદા લઈને આવ્યો છે. આ વિસ્તારમાં રેલવે અન્ડરપાસ મુખ્ય આવાગમન માટે નો માર્ગ છે. જેમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
સંજાણ અન્ડરપાસ ઉમરગામ શહેર, ઉમરગામ GIDC અને મહારાષ્ટ્ર તરફ આવાગમન માટેનો મુખ્ય માર્ગ છે. જેમાં વરસાદી પાણી ભરાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. વહેલી સવારે GIDC માં કામ અર્થે જતા કામદારો, શાળાએ જતા વિદ્યાર્થીઓ અટવાયા હતાં. ઉલ્લેખનીય છે કે, સંજાણમાં નવા બનેલા રેલવે ઓવર બ્રિજ પર ગાબડું પડ્યા બાદ હાલ અન્ડરપાસ એક જ જીવાદોરી સમાન માર્ગ હતો. જેમાં પણ વરસાદી પાણીના ભરાવા સાથે કાદવ કિચ્ચડ હોય વાહનચાલકો, રાહદારીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યાં છે.