ઉમરગામ તાલુકામાં સેવાકીય ક્ષેત્રે આગવું નામ ધરાવતા સંધ્યા ગ્રુપ ઓફ કંપનીઝના ડાયરેકટર કાંતિભાઈ કોલી મરોલી ગામનું પ્રવેશદ્વાર બનાવી આપવા આગળ આવ્યા છે. જે માટે શનિવારે મરોલી સર્કલ ખાતે ધારાસભ્ય રમણલાલ પાટકરના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
વાપી તેમજ સરીગામ GIDC માં સંધ્યા ઓર્ગેનિક્સ કંપની ચલાવતા કાંતિભાઈ કોલી સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતું નામ છે. જેમણે ફણસા અને મરોલી સહિત અનેક ગામમાં શિક્ષણ, આરોગ્ય, ખેતી જેવા ક્ષેત્રોમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે. જેમના પરિવાર પાસે મરોલી ગામના ગામલોકોએ એક પ્રવેશદ્વાર બનાવી આપવા રજુઆત કરી હતી.
આ રજુઆત ધ્યાને લઈને તેમજ પ્રવેશદ્વારથી ગામની શોભા વધશે તેવું ધ્યાને આવતા તેઓ ગામના મુખ્ય પ્રવેશદ્વાર બનાવી આપવા આગળ આવ્યાં હતા. જે બાદ શનિવારે કાંતિભાઈ કોલી, તેમના ધર્મપત્ની સંધ્યાબેન કોલી, તેમના પુત્રો સહિત ઉમરગામ ના ધારાસભ્ય રમણલાલ પાટકર મરોલી સર્કલ પર પહોંચ્યા હતાં. અહીં એક ભવ્ય કાર્યક્રમમાં ગામલોકોને સાંભળ્યા હતાં. તે બાદ નવા પ્રવેશદ્વાર માટે ભૂમિપૂજન કર્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં મરોલી, ફણસા ગામના ગ્રામજનો, તાલુકાના વિવિધ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ સંધ્યાગ્રુપ ઓફ કંપનીઝના ડિરેકટર સહિત તમામનો આભાર માન્યો હતો.