Friday, March 14News That Matters

રૂપાણી સરકારની નારગોલ બીચ, મત્સ્ય બંદરના સ્થાને પોર્ટની જાહેરાત બાદ તેના જ મંત્રી જિલ્લાના પ્રવાસન અને મત્‍સ્‍યોદ્યોગના વિકાસ માટે વલસાડ આવ્યા

વલસાડ :- વલસાડ જિલ્લામાં આવેલ નારગોલ બંદર માટે થોડા સમય પહેલા જ રૂપાણી સરકારે પોર્ટ બનાવવાની જાહેરાત કરી આ સુંદર રમણીય બીચની પ્રવાસન સ્થળમાંથી બાદબાકી કરી નાખી છે. એટલું જ નહીં વર્ષોથી મત્સ્યબંદર માટે આધુનિક સગવડની રાહ જોતા નારગોલ-ઉમરગામ ના માછીમારોના સપનાઓ પર પણ પાણી ફેરવી દીધું છે. ત્યારે આજે તેમના જ પ્રવાસન અને મત્‍સ્‍યોદ્યોગ રાજયમંત્રી જવાહર ચાવડાએ વલસાડ જિલ્લાના પ્રવાસન સ્‍થળોના વિકાસ અને મત્‍સ્‍યોદ્યોગ વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી. 
રાજયના પ્રવાસન અને મત્‍સ્‍યોદ્યોગ રાજય મંત્રી જવાહર ચાવડાની ઉપસ્‍થિતિમાં બુધવારે કલેકટર કચેરીના સભાખંડમાં વલસાડ જિલ્‍લાના પ્રવાસન સ્‍થળોના વિકાસ અને મત્‍સ્‍યોદ્યોગ વિભાગની કામગીરીની સમીક્ષા બેઠકમાં જવાહર ચાવડાએ વલસાડ જિલ્લાના પ્રવાસન સ્‍થળો વિલ્‍સન હિલ, પારનેરા ડુંગર અને ઉદવાડાના વિકાસ માટે થઇ રહેલા કાર્યો અને જિલ્‍લાના મત્‍સ્‍યોદ્યોગ વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી.
જે અંતર્ગત ઉત્તર વન વિભાગ વલસાડ દ્વારા વિલ્‍સન હિલ અને પારનેરાના ડુંગરના વિકાસ તેમજ ઉદવાડાના વિકાસ માટે માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત થઇ રહેલા વિકાસ કાર્યોની જાણકારી મેળવી હતી. ધરમપુર તાલુકાના વિલ્‍સન હિલ માટે વર્ષઃ- 2018-19 માં 2.91 કરોડ અને વર્ષ 2019-20 માં 2 કરોડની ફાળવેલ ગ્રાન્‍ટમાં વોક વે, લેન્‍ડ સ્‍ક્રેપીંગ, કવર્ડ સીટિંગ, કીયોકસ, ઓપન સીટીંગ, પ્રોટેકશન વોલ વિથ રેલીંગ, પાર્કિગ એરિયા, સીસી રોડ, ટોઇલેટ બ્‍લોકની થઇ રહેલી કામગીરી, પારનેરા ડુંગરના વિકાસ માટે 10 લાખની ફાળવેલ ગ્રાન્‍ટ હેઠળ RCC પગથિયા અને પગથિયા પર શેડ, સનસેટ પોઇન્‍ટ, ગાર્ડન, પાર્કિગ અને રોડના કામોનું પાવર પોઇન્‍ટ પ્રેઝન્‍ટેશન નિહાળ્‍યું હતું. 
ઉદવાડાના વિકાસ માટે રોડ અને સ્‍ટ્રીટ લાઇટ, હાટ બજાર, ટોયલેટ બ્‍લોક, મિર્ઝા હોલ, એન્‍ટ્રી ગેટ તેમજ ઇરાનશાન ઉત્‍સવ માટે મંડપની કામગીરીની વિગતો મેળવી હતી. મંત્રીએ વલસાડ જિલ્‍લાના પ્રવાસન સ્‍થળોના વિકાસ માટે થઇ રહેલા વિકાસ કામોની પ્રગતિથી સંતોષ વ્‍યકત કર્યો હતો. અને આ કામો ઝડપી પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. 
જિલ્લાના સાગરખેડૂઓ માછીમારી માટે જયારે દરિયામાં જાય છે ત્‍યારે તેઓ દરિયાઇ તોફાનમાં અથવા અન્‍ય રીતે મૃત્‍યુ પામે ત્‍યારે આ માછીમારોના જરૂરી દસ્‍તાવેજો ઝડપથી મળે તેવી જરૂરી વ્‍યવસ્‍થા કરવા જણાવ્‍યું હતું. ઉપરાંત દરિયાઇ ધોવાણ અટકાવવા માટેના જરૂરી પગલાઓ લેવા જણાવ્‍યું હતું.
જો કે એક તરફ વર્ષોથી પ્રવાસન સ્થળના નકશામાં સામેલ થવા માંગતા નારગોલ બીચ ની નજીક કાર્ગો પોર્ટની જાહેરાત થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી રૂપાણીએ કરી દીધી છે. જે બાદ નારગોલની પ્રવાસન સ્થળમાંથી બાદબાકી થઈ ગઈ છે. અહીંના માછીમારો વર્ષોથી સારી જેટી અને પાયાની સગવડોની રાહ જોઈ રહ્યા છે. તે અંગે ઘટતું કરવાને બદલે તેમના વ્યવસાય પર તરાપ મારી પોર્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે સમીક્ષા બેઠકમાં કરેલા સૂચનો સામેના અનેક સવાલો લોકોને મુંજવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *