Friday, October 18News That Matters

વાપીમાં ખાનગી યુનિવર્સિટીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ ઉપાડવા રોટરી દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન

વાપીમાં દર વર્ષે રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવ દ્વારા મળનારી તમામ રકમ રોટરી ક્લબ દ્વારા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વાપરવામાં આવે છે. જોકે આ વખતે રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા વાપીની ખાનગી યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ ઉપાડવા માટે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

વાપીમાં વાપીમાં રોફેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત રોટરી થનગનાટ નવરાત્રી મહોત્સવમાં ઉભી કરેલી વ્યવસ્થા અંગે રોટરી ક્લબ ઓફ વાપીના પ્રેસિડેન્ટ કૃષિત શાહ, ક્લબના ચેરમેન ભરતભાઈ, પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રકાશ ભદ્રા સહિતના મહાનુભાવોએ પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો પૂરી પાડી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં અનેક સ્થળો પ્રિ-નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકના બનાવ બન્યા હોય નવ યુવાનોના મોત નીપજ્યા છે. જે બાદ સરકારના આદેશ મુજબ દરેક મોટા નવરાત્રી મહોત્સવમાં તબીબી સ્ટાફ, જરૂરી દવા સાથે કાર્ડિયાક એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડવી તેમ જણાવ્યું છે. જે અનુસંધાને વાપીમાં રોફેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત થનગનાટ રોટરી નવરાત્રી મહોત્સવમાં આ તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

તો ગ્રાઉન્ડમાં ગાયક કલાકારો અને અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે નવ દિવસ ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે. સુરક્ષિત રીતે નવરાત્રી મહોત્સવમાં ભાગ લઈ શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્કિંગ માટે 2 પ્લોટ બુક કરી તેમાં પે એન્ડ પાર્કિગની સુવિધા, નવરાત્રીમાં ગરબે રમવા અને ગરબા નિહાળવા માટે ડિજિટલ પાસની પહેલ કરવામાં આવી છે. જે મોબાઈલ દ્વારા સ્કેન કરી ત્યારબાદ કોઈપણ ખેલૈયા ગ્રુપ કે ગરબા જોવા આવતા શહેરીજનો ગ્રાઉન્ડમાં એન્ટ્રી કરી શકશે.

રોટરી ક્લબ દ્વારા આ વખતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને આપવામાં આવતા પ્રાઈઝ, અન્ય ખર્ચ બાદ કરી જેટલી પણ રકમ વધશે તે રકમ આગામી સમયમાં નિર્માણ થનાર રજ્જુ શ્રોફ યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉપયોગમાં લેવામાં આવશે. આ યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અંદાજિત 3 કરોડ જેટલી રકમ આવા પ્રયાસ અને ઉદ્યોગ મિત્રો પાસેથી દાન પેટે લેવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે વાપીમાં આ વર્ષે ત્રણ જેટલા મોટા નવરાત્રી મહોત્સવના આયોજકોએ નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે. જેમાં રોટલી સિવાય અન્ય સ્થળોએ રાખવામાં આવેલા પાસના ભાવ સામે રોટરીના પાસના ભાવ બે ગણા વધુ છે. રોટરી આયોજિત થનગનાટ નવરાત્રી મહોત્સવમાં 2400 થી વધુ ખેલૈયાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાની વિગતો પણ આયોજકો દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *