બગવાડા ટોલ પ્લાઝા ખાતે લાયન્સ ક્લબ ઓફ પારડી પાર્લ, અનું આઈ હોસ્પિટલ કિલ્લા પારડી, હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કિલ્લા પાર્ટી, રિદ્ધિ સિદ્ધિ એસોસિયેટ, બગવાડા ટોલ પ્લાઝા સહિતની સંસ્થાઓ ના સહયોગમાં આયોજિત માર્ગ સલામતી સપ્તાહ 2023 કાર્યક્રમમાં ડીવાયએસપી એ. કે. વર્મા, લાયન્સના મુકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમમાં ટ્રાફિક જાગૃતિ અંગે DYSP એ ઉપસ્થિત વાહનચાલકોને માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે સંસ્થાઓ દ્વારા ટ્રક ડ્રાઈવરો માટે આઈ ચેકઅપ, ટ્રાફિક પોલીસ જવાનો માટે સેફટી જેકેટ સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહ 2023 ની ઉજવણી હેઠળ પુરજોશમાં દંડની કાર્યવાહી ચાલી રહી છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ અંગેના કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. આવો જ એક કાર્યક્રમ વાપી નેશનલ હાઇવે નંબર 48 પર બગવાડા ટોલ નાકા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
જો કે આ જ માર્ગ પર સલવાવ થી વાપી પેપીલોન ચાર રસ્તા સુધીના સર્વિસ રોડ પર ટ્રક ચાલકો વાહનો પાર્કિંગ કરી રહ્યા છે. આ જ માર્ગ પર આવતા શોરૂમ સંચાલકો, ગેરેજવાળાઓ પણ વાહનો પાર્ક કરાવી ટ્રાફિક ને અડચણ ઉભી કરી રહ્યા છે. તે માટે જિલ્લા પોલીસ દ્વારા આંખે ઉડીને વળગે તેવી કોઈ ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવતી નથી.
એક તરફ આ જ સર્વિસ રોડ પર જ્યાં સર્વિસ રોડ બન્યો જ નથી. તેવા મામલતદાર કચેરી, બ્રહ્મદેવ મંદિર પાસે અવારનવાર ટ્રાફિક પોલીસ રોંગ સાઈડમાંથી આવતા વાહનચાલકોને 5 હજારની રકમ સુધીનો દંડ ફટકારી રહી છે. જ્યારે, સર્વિસ રોડ પર અડચણરૂપ બનેલા વાહન ચાલકોને કે અડચણ ઉભી કરતાં ગેરેજવાળાઓ ને, શો રૂમ સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરતા નથી.
ત્યારે લોકોની માંગ છે કે જિલ્લા પોલીસ ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરી ટ્રાફિક અંગે જાગૃતિ ફેલાવે છે. રોંગ સાઈડ પર જતાં વાહન ચાલકોને અટકાવી દંડની કાર્યવાહી કરે છે. તેવી જ કાર્યવાહી સર્વિસ રોડ પર અડચણ ઉભી કરી વાહનો પાર્ક કરતા વાહનચાલકો સામે કે, વાહનો પાર્ક કરાવતા ગેરેજવાળાઓ સામે, શો રૂમ ના સંચાલકો સામે પણ કરે તે જરૂરી છે.