વાપીમાં કાર્યરત રાજસ્થાન પ્રગતિ મંડળ અને લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજસ્થાન ભવન ખાતે આયોજિત આ 2 દિવસીય કેમ્પમાં 200થી વધુ લોકોએ કેન્સર અંગે નિઃશુલ્ક નિદાન કરાવ્યું હતું. આ કેન્સર નિદાનની તમામ સુવિધા અખિલ ભારતીય મારવાડી મંચ સંચાલિત અદ્યતન મશીનરીથી સજ્જ મોબાઈલ બસમાં કરવામાં આવ્યું હતું.
રાજસ્થાનના જોધપુરથી વાપીમાં આવેલી કેન્સર નિદાનની મશીનરીથી સજ્જ બસમાં વાપીના લોકોએ પોતાને કેન્સર છે કે નહીં તેનું નિદાન કરાવ્યું હતું. 2 દિવસીય કેમ્પમાં અંદાજિત 200 જેટલા લોકોએ આ નિદાન કરાવ્યું હતું. આ અનોખા પ્રયોગ અંગે અખિલ ભારતીય મારવાડી યુવા મંચના કન્વિનર વિવેક જૈને જણાવ્યું હતું કે, લોકોમાં કેન્સર અંગે જાગૃતિ આવે, કેન્સરનું વહેલી તકે નિદાન કરાવી સારવાર કરાવી શકે. આ નિદાન માટે તેઓએ હોસ્પિટલ સુધી જવાને બદલે હોસ્પિટલ જ તેમના દ્વારે આવે તેવા આશયથી એક બસમાં જ અદ્યતન મશીનરી મૂકી તે બસને રાજસ્થાન કે ગુજરાતમાં જ્યાં પણ જે સંસ્થા મંગાવે ત્યાં લઈ જવામાં આવે છે.
બસમાં કેન્સરના લક્ષણો અંગે કરવામાં આવતા લોહીના ટેસ્ટ માટેના મશીન સહિત મેમોગ્રાફી મશીન, મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સર મશીન, લંગ કેન્સર નિદાન મશીન, પેપ ટેસ્ટ મશીન સહિતની તમામ મશીનરી છે. બસને 2 દિવસ માટે જોધપુરથી વાપીમાં રાજસ્થાન પ્રગતિ મંડળ દ્વારા મંગાવવામાં આવી છે. રાજસ્થાન ભવનના પરિસરમાં નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 2 દિવસમાં લગભગ 200 લોકોએ રક્ત ટેસ્ટ, મેમોગ્રાફી ટ્રસ્ટ અને પેપ ટેસ્ટ કરાવ્યા છે.
અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા કેન્સરના નિદાન બાદ જરૂરિયાત મંદ ને કેન્સરની સારવારમાં પણ મદદરૂપ થઈ શકાય તે માટે નાણાવટી હોસ્પિટલ મુંબઈનો અને ટ્રસ્ટનો સહયોગ પૂરો પાડવામાં આવે છે. બસમાં જ ઉભા કરેલા મોબાઈલ કેન્સર સ્ક્રીનીંગ સેન્ટરનો લાભ વિવિધ રાજ્યના શહેરો ઉપરાંત દુરદરાજ ના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને મળી રહ્યો છે. કોઈપણ સંસ્થા આવા કેમ્પ કરવા માંગતી હોય તો તે માટે સંસ્થા નજીવી ફી લઈ આ બસને ત્યાં મોકલે છે. બસમાં એક ડ્રાઇવર, 5 ટેક્નિશયનનો સ્ટાફ છે. જે તમામ જરૂરિયાતમંદ લોકોને તેના કેન્સરના ટેસ્ટ કરવામાં મદદરૂપ થાય છે.