વાપી નગરપાલિકાની બાંધકામ શાખાની ટીમ ફરી એકવાર સ્થાનિક મિલકતધારકો સામે ભેખડે ભેરવાય ગઈ હતી. આ ઘટનામાં પણ સૂર્યવંશી જ કેન્દ્ર સ્થાને રહ્યા હતા. જેણે માત્ર સરકારના આદેશનું પાલન કરવા મિલ્કતધારકો સામે પોતાની અધિકારીગીરી નો રૌફ બતાવ્યો હતો. નવાઈની વાત તો એ છે કે, નગરપાલિકાના અધિકારીઓને શનિવારે જ કેમ મિલકત સબંધિત કામગીરી કરવાનું સૂઝે છે. બાકીના દિવસોમાં કેમ કોઈ મિલ્કતધારકો સાથે ઉગ્ર બોલાચાલી કે બબાલ થતી નથી. નગરપાલિકાના અધિકારીઓ, પ્રમુખ આ બાબતે જરા વિચારવિમર્સ કરે.
શનિવારે વાપી નગરપાલિકાના નૂતન નગર, જુના ફાટક થી જકાત નાકા માર્ગ પર આવેલ હાઇરાઈઝ ઇમારતોમાં ફાયર એકટ હેઠળ જેણે NOC નથી લીધી તેવી કોમર્શિયલ મિલકતોની સિલીંગ કામગીરી ટાઉન પ્લાનિંગ વિભાગના બાંધકામ શાખાના ટેક્નિકલ રાજેશ સૂર્યવંશીએ તેમની ટીમ સાથે પહોંચી હાથ ધરી હતી. જો કે કામગીરી નગરપાલિકાને એટલે સૂઝી કે તે દિવસે અમદાવાદમાં એક ગમખ્વાર આગની ઘટના બની હતી. અને સફાળી જાગેલી સરકારે તક્ષશિલા કાંડની જેમ આદેશ બહાર પાડી દીધો હતો.
બસ પછી તો પૂછવું જ શુ? આદેશનો પરિપત્ર હાથમાં લઈ સૂર્યવંશી નીકળી પડ્યા. જેમાં કઈ હાઇરાઈઝ ઇમારતમાં NCO લીધેલ છે કે કઈ હાઇરાઈઝ ઇમારતમાં નથી લીધી તેની કોઈ વિગતો મેળવી નહોતી. પોતાની ટીમ સાથે જુના ફાટક થી જકાત નાકા માર્ગ પર આવેલ હાઇરાઈઝ ઇમારતોમાં ફાયર એકટ હેઠળ જેણે NOC નથી લીધી તેવી કોમર્શિયલ મિલકતોને સિલીંગ કરવા અને તાબડતોબ કાર્યવાહી શરૂ કરી. જેને લઈને દુકાનદારો વિફર્યા હતાં.
દુકાનદારોની રજુઆત હતી કે, કોમર્શિયલ મિલકત સીલ કરવા આવ્યા છો તો એ પહેલાં નોટિસ આપવાની હોય, એવી કોઈ નોટિસ તેઓને મળી નથી. નોટિસ આપો અને પછી કાર્યવાહી કરો અમે પણ સહકાર આપવા તૈયાર છીએ. પરંતુ આ રજુઆત માને તો એ સૂર્યવંશી ના કહેવાય. એટલે સાહેબે પોલીસ બોલાવવાની ચીમકી ઉચ્ચારી, નગરપાલિકાના આલા અધિકારીઓને જાણ કરી સ્થળ પર બોલાવ્યા અને કરી નાખી મિલ્કતધારકો સાથે તુતુંમૈંમૈં…. જેમાં આખરે પરિસ્થિતિ જોઈ ચીફ ઓફિસર, ટાઉન પ્લાનિંગ અધિકારીઓ વાતના મૂળ માં ગયા તો જાણવા મળ્યું કે સુરવંશીએ બાફી મારેલું છે. જે હાઇરાઈઝ ઇમારતમાં ધી ગુજરાત ફાયર એકટ હેઠળ કાર્યવાહી કરવાની હતી. તેને બદલે બાજુની ઇમારતમાં કાર્યવાહી હાથ ધરી નાખી હતી. જેમણે ઓલરેડી NOC લીધેલ હતી. જેની વિગતો મિલ્કતધારકોએ રજૂ કરી હતી. જો કે તેમાં પણ ટેક્નિકલ ખામી શોધી સૂર્યવંશીએ પોતાનું પલ્લું ભારે રાખ્યું હતું.
આખરે મિલ્કતધારકોની દુકાનો સીલ કરી અને ફરી એ સીલ ખોલી ગરમ ઘી ને ઘી ના ઠામ માં ઠારી નાખ્યું. હવે મૂળ વાત પર આવીએ તો, સમગ્ર કાર્યવાહી અંગે પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર કલ્પેશ શાહે જણાવ્યું હતું કે, ગુજરાત ફાયર એકટ મુજબ દરેક હાઇરાઈઝ ઇમારતમાં જે પણ કોમર્શિયલ પાર્ટ હોય તેમણે ફાયરની NOC લેવી ફરજીયાત છે. જેથી જેમણે NOC નથી લીધી તેવા કમર્શિયલ પાર્ટમાં પાલિકાએ સિલિંગની કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે નામદાર હાઈકોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. પાલિકામાં જે પણ હાઇરાઈઝ ઇમારતમાં કોમર્શિયલ પાર્ટ છે તેઓને અત્યાર સુધીમાં 4-4 વખત ફાયર સેફટીની NOC લેવા નોટિસ મોકલી છે. તેમ છતાં કેટલાકે NOC નથી લીધી એટલે આદેશ મુજબ કામગીરી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, હાઇરાઈઝ ઇમારતોમાં કોમર્શિયલ રેસિડેન્સીયલ એક જ NOC લેવાની હોય છે. જે સુરત રિઝનલ ફાયર ઓફિસર દ્વારા અપાય છે. જેમાં મિલ્કતધારકોની માલસામાન કાઢવા અને અન્ય જરૂરી પ્રક્રિયા માટે સમય પણ આપવામાં આવે છે. અહીં હાથ ધરેલ કાર્યવાહીમાં પણ મિલ્કતધારકો ને સમય આપવામાં આવ્યો છે.
જો કે પાલિકાના અધિકારીની આ વાત સામે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા કે, કોમર્શિયલ પાર્ટ સાથે રહેણાંક પાર્ટ હોય છે. તેમાં કેટલીક દુકાનોમાં ફાયર થાય એવી કોઈ જ ચીજવસ્તુ હોતી નથી. જ્યારે રહેણાંક મકાનમાં એવી વસ્તુઓ વધુ હોય છે. તેમ છતાં માત્ર દુકાનદારોને જ ટાર્ગેટ કરી સિલીંગ કરાય છે. જ્યારે ફ્લેટધારકો સામે એવી કાર્યવાહી થતી નથી. જો કાર્યવાહી કરવી જ હોય તો દરેક સામે થવી જોઈએ.