Friday, October 18News That Matters

તલાસરીની 10 વર્ષની બાળકીનું ગળું દબાવી હત્યા કરનાર નિર્દયી રમેશ દુબળાને તલાસરી પોલીસે 2 કલાકમાં જ દબોચી લીધો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વંકાછ ગામની અવાવરું જગ્યાએથી ગુરુવારે એક બાળકીના મૃતદેહનો તલાસરી પોલીસે કબ્જો લઈ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. તલાસરી પોલીસે બાળકીની નિર્દયતાથી હત્યા કરનાર હત્યારાને પણ ઝડપી પાડ્યો છે.

ઘટના અંગે તલાસરી પોલીસે આપેલી વિગતો મુજબ મહરાષ્ટ્રના થાણે જિલ્લાના તલાસરી પોલીસ મથકે 1 માર્ચના રોજ એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે તેની 10 વર્ષની દીકરી ઘરેથી સવારે 09.00 વાગ્યાની આસપાસ શાળાએ ગઈ હતી, પરંતુ તે પરત આવી નથી. બાળકીની આસપાસના વિસ્તારમાં અને તેના સંબંધીના ઘરે શોધખોળ કરી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નથી. ફરિયાદ કરનાર બાળકીના પરિવારજનોએ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તેનું અપહરણ કર્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી.


આ ફરિયાદ આધારે તલાસરી પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને   જિલ્લા પોલીસવડા બાલાસાહેબ પાટીલ, DYSP પંકજ શિરસાથના આદેશ મુજબ, દાહનું સબ ડિવિઝનના પોલીસ અધિકારી સંજીવ પીંપલેના માર્ગદર્શન હેઠળ તલાસરી પોલીસ મથકના પોલીસ અધિકારી અજય વસાવેએ અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.


જે ટીમે તાત્કાલિક ટેકનિકલ પુરાવાના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં એક 45 વર્ષનો શંકાસ્પદ ઇસમ આ બાળકીને પોતાના મોપેડ પર બેસાડી લઈ ગયો હોવાની વિગતો મળી હતી. પોલીસે તે આધારે માત્ર 2 કલાકમાં જ શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્યો હતો. જેણે કબુલ્યું હતું કે તે બાળકીને લઈને ગુજરાતના ઉમરગામ તાલુકાના વંકાછ ગામે આવ્યો હતો. જ્યાં બાળકીનું ગળું દબાવી હત્યા કરી નાખી છે.


પોલીસે આ અંગે તાત્કાલિક હત્યારા આરોપી એવા રમેશ દુબળાની ધરપકડ કરી છે. બાળકીનો મૃતદેહ કબ્જે લઈ તેને તલાસરી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની શંકા પણ સેવાઈ રહી છે. જે અંગે PM રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે તેવું તપાસ અધિકારી એ જણાવ્યું હતુ.

 

હત્યા કરનાર આરોપીની પ્રાથમિક પૂછપરછ માં તે મૂળ ગુજરાતના વલસાડ જિલ્લાનો રહેવાસી છે. અને થોડાક સમયથી તલાસરીમાં રહેતો હતો. જે દરમ્યાન શાળાએથી પરત ઘરે આવતી બાળકીને બહેલાવી ફોસલાવી કે ડરાવી ધમકાવી કપટથી પોતાના મોપેડ પર બેસાડી ઉમરગામ તાલુકાના વંકાછ ગામે લાવી ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *