Saturday, December 28News That Matters

ઉમરગામમાં 5 ટર્મથી ચૂંટાતા રમણ પાટકરનું ટ્રેન સ્ટોપેજ, બ્રિજ, હોસ્પિટલ, કોલેજ, GIDC નું પ્રદુષણ જેવા પાયા ના મુદ્દાઓ પર મૌન સ્થાનિકોએ સ્ટેટ ફાયનાન્સ મિનિસ્ટર સામે રજુઆત કરી 

વલસાડ જિલ્લાની ઉમરગામ તાલુકા વિધાનસભા બેઠક ગુજરાતની અંતિમ 182મી વિધાનસભા બેઠક છે. આ બેઠક પર 5 ટર્મના ભાજપના ધારાસભ્ય રમણલાલ પાટકર ફરી ભાજપ તરફથી ઉમેદવારી કરી રહ્યા છે. જેના ચૂંટણી પ્રચાર માટે આવેલા મહારાષ્ટ્રના સ્ટેટ ફાયનાન્સ મિનિસ્ટર ડૉ. ભાગવત કરાડ અને દહિસરના ધારા સભ્ય મનીષા તાઈ ચૌધરીના હસ્તે સરીગામ મધ્યસ્થ કાર્યલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો, પત્રકાર પરિષદમાં પાટકર જંગી લીડથી જીતવાના હોવાનું તેમજ 3 દિવસના પ્રવાસમાં અહીં સ્થાનિક કેટલાક પ્રશ્નોનું નિરાકરણ બાકી હોય તે પૂર્ણ કરવાની ખાતરી આપી હોવાનું જણાવ્યું હતું. 
સરીગામ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી ભારત સરકારના રાજ્ય કક્ષાના નાણાં મંત્રી ડૉ. ભાગવત કરાડ, દહિસરના ધારા સભ્ય મનીષા તાઈ ચૌધરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, તેઓ 3 દિવસથી ઉમરગામ વિધાનસભા મતક્ષેત્રમાં પ્રવાસ કરી રહ્યા છે. અહીં તેઓ સ્થાનિક મતદારો, ખેડૂતો, માછીમારો, ઉદ્યોગકારો, કામદારો, તબીબોને મળી તેમની સાથે વિકાસના કામ અંગે ચર્ચા કરી હતી. જેમાં રમણલાલ પાટકર દ્વારા પાણી, રોડ, વીજળી, આરોગ્ય, શિક્ષણ ને લઈને મહત્વના કામ કર્યા છે. પરંતુ તેમ છતાં ઉમરગામ રેલવે સ્ટેશને મહત્વની ટ્રેનના સ્ટોપેજ, ઉદ્યોગોમાં અને અન્ય વિસ્તારોમાં આવાગમન માટે રેલવે ઓવરબ્રિજ, એન્જીનીયરીંગ કોલેજ, કામદારો, સ્થાનિક આદિવાસીઓ માટે આધુનિક આરોગ્ય હોસ્પિટલ, ઔદ્યોગિક પ્રદુષણ સહિતના કેટલાક પ્રશ્નો ઉકેલાયા નથી. એ સિવાય મોટાભાગના કામ થયા છે. એટલે રમણલાલ પાટકર ફરી એકવાર આ ચૂંટણીમાં જંગી મતથી વિજેતા બનશે.
ડૉ. ભાગવત કરાડ અને MLA મનીષા તાઈએ સ્વીકાર્યું હતું કે અને ખાતરી આપી હતી કે, જે પ્રશ્નોનું નિરાકરણ પાટકરની 5 ટર્મની રાજકીય સફર બાદ પણ નથી થયા તે આગામી દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે. જ્યારે અહીંના ઉદ્યોગકારો માટે GST અને અન્ય પ્રશ્નો છે જે કેન્દ્રસરકાર તરફના હોય તે અંગે પણ કેન્દ્રસરકાર સમક્ષ અને જે પ્રશ્નો રાજ્યસરકાર તરફથી હોય તે રાજ્યસરકાર ને રજૂઆત કરી તેનું નિરાકારણ કરવામાં આવશે. ગુજરાતમાં હાલ ડબ્બલ એન્જીનની સરકાર છે. અને અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ખૂબ જ વિકાસ થયો છે. એટલે ગુજરાતના વિકાસ માટે મતદારો તેમનો કિંમતી મત ભાજપના ઉમેદવાર ને આપી વિજય બનાવશે.
તો, ભાજપને ગુજરાતના મતદારો પર ભરોસો છે. તેમ છતાં આ ચૂંટણીના પ્રચાર માટે મોદી સહિતના નેતાઓએ કેમ ગુજરાતમાં આવીને ચૂંટણી પ્રચાર કરવો પડી રહ્યો છે? શુ ભાજપને આમ આદમી પાર્ટીએ ખોલેલા ત્રીજા મોરચાનો ડર છે? તેવા સવાલના જવાબમાં ડૉ. ભાગવત કરાડ અને MLA મનીષા તાઈએ જણાવ્યું હતું કે, ભાજપને ડર નથી પરંતુ આ તેમની કામ કરવાની પદ્ધતિ છે ભાજપનો દરેક કાર્યકર એ ભાજપનો પરિવાર છે. એટલે દરેક કાર્યકરને પ્રોત્સાહિત કરવા મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોના નેતાઓ અને વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર કરવા આવ્યા છે. મહારાષ્ટ્ર માટે ગુજરાત એ મોટો ભાઈ છે મોટાભાઈ ના ઘરે નાના ભાઈએ આવું પડે જેવો ગોળગોળ જવાબ આપી ચાલતી પકડી હતી.
ઉલ્લેખનીય છે કે ઉમરગામ વિધાનસભાના ભાજપના ઉમેદવાર રમણલાલ પાટકરના સરીગામ ખાતેના ચૂંટણી પ્રચાર માટે ખોલેલા મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે વલસાડ જિલ્લા પ્રમુખ, વલસાડ જિલ્લા પંચાયત સભ્ય દિપક મિસ્ત્રી, તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ઉમરગામ તાલુકાના ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓને રમણલાલ પાટકરને જીતાડવા ઘરેઘરે જઇ ચૂંટણી પ્રચાર કરવાની હાકલ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *