Friday, October 18News That Matters

વાપીમાં રામની ભવ્ય પ્રતિમા સાથે નીકળી રામનવમીની શોભાયાત્રા, અંબા માતા મંદિરે ભવ્ય આતશબાજી, મહાઆરતી સાથે સમાપન

સમગ્ર દેશની સાથે વલસાડ જિલ્લાના વાપીમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાપીના ડુંગરા, જે ટાઈપ, છીરી સહિતના વિસ્તારોમાંથી ભગવા ધ્વજ, DJ, નાસિક ઢોલના તાલે સવારથી સાંજ સુધી શહેરના મુખ્ય માર્ગ પર નીકળેલી રામલલ્લા ની શોભાયાત્રાનું અંબા માતા મંદિરે મહાઆરતી, આતશબાજી સાથે સમાપન કરવામાં આવ્યું હતું.

વાપીમાં રામનવમી ના પર્વ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો કેસરિયા ધજા પતાકાથી શોભી ઉઠ્યા હતાં. શહેરીજનોએ ઉત્સાહભેર રામલલ્લાની શોભાયાત્રા માં જોડાઈ જય શ્રી રામના ગગનભેદી નારા લગાવ્યા હતાં. વાપીમાં ડુંગરાથી નવદુર્ગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભગવાન શ્રી રામ ની શોભાયાત્રાએ શહેરભરમાં આકર્ષણ ઉભું કર્યું હતું. ડુંગરા સ્થિત સરસ્વતી મંદિરથી નીકળેલ આ શોભાયાત્રા હરિયા પાર્ક, ચણોદ, ભડકમોરા, વાપી ચાર રસ્તા, ઇમરાન નગર, ગાંધી સર્કલ, કોપરલી ચોકડી, ગુંજન ચોક થઈને રાત્રે 8:30 વાગ્યે અંબામાતા મંદિરે પહોંચી હતી. જ્યાં આકાશમાં ભવ્ય આતશબાજી સાથે શ્રી રામની મહાઆરતી કરી શોભાયાત્રાનું સમાપન કર્યું હતું.

એ જ રીતે વિશ્વ હિન્દુ પરિષદ સહિતના અન્ય હિન્દુ સંગઠનો દ્વારા પણ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રામભક્તો DJ ના તાલે નાચ્યાં હતાં. નાસિક ઢોલના ધબકારાએ શહેરીજનોમાં આકર્ષણ ઉભું હતું. કેસરી ધજા પતાકા સાથે મોટી સંખ્યામાં શહેરીજનો આ શોભાયાત્રામાં જોડાયા હતાં. શોભાયાત્રાના રૂટ પર ઠેરઠેર વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી રામની 13 ફૂટ ઊંચી મનમોહક પ્રતિમાના દર્શન, પૂજા અર્ચના કરી હતી. સેવાભાવી સંસ્થાઓએ શહેરીજનો માટે પાણી, શરબત, ઠંડા પીણાંની લ્હાણી કરી તરસ છીપાવી હતી. વાપીમાં પ્રથમ વખત રામભક્તોએ અનેરા ઉત્સાહ સાથે રામજન્મોત્સવ ની ઉજવણી કરી હોય વાપીના તમામ મુખ્ય માર્ગો કેસરિયા રંગે અને જયશ્રી રામના નારાથી ગુંજયા હતાં.

શોભાયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ જવાનો વહેલી સવારથી રાત્રીના 8 વાગ્યા સુધી ખડેપગે રહ્યા હતા. શોભયાત્રા દરમ્યાન કોઈ જ અનિચ્છનીય ઘટના ના બનતા વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *