વલસાડ જિલ્લામાં રવિવારે મેઘરાજાએ હળવા મૂડમાં એન્ટ્રી કરી રસ્તાઓ ભીના કરવા સાથે સર્વત્ર ઠંડકનો માહોલ પ્રસરાવ્યો હતો. જે બાદ બીજા દિવસે સોમવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ગોરંભાયેલા વાદળો વચ્ચે વહેલી સવારથી અમી છાંટણા વરસતા હોય જનજીવન પ્રભાવિત થયું છે.
વલસાડ જિલ્લાના વલસાડ તાલુકા અને વાપી તાલુકા સહિત જિલ્લામાં અને નજીકના સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં રવિવારથી ચોમાસાની વિધિવત શરૂઆત થઈ છે. રવિવારે આખો દિવસ વરસાદી ઝાપટા વરસ્યા બાદ રાત્રે અને બીજા દિવસે સોમવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. વાપીમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને હાઇવે પર પસાર થતા વાહનચાલકો, ઔદ્યોગિક એકમોમાં કામ અર્થે નીકળેલા કામદારો, શાળાએ અભ્યાસ માટે નીકળેલા વિદ્યાર્થીઓ અને મોર્નિંગ વૉક માં નીકળેલા શહેરીજનો સાથે જનજીવન પ્રભાવિત થયું છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક માં અડધો થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જો કે ગાજવીજ સાથે ધીમીધારે વરસી રહેલા વરસાદને પગલે ક્યાંય પાણી ભરાવાની કે જાનમાલની નુકસાની થઈ નથી. કાળા ડિબાંગ વાદળો વચ્ચે સતત ધીમીધારે અમી છાંટણા વરસતા હોય ઠંડકભર્યા માહોલનો એહસાસ લોકો કરી રહ્યા છે.
જિલ્લામાં ગઈ કાલ સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા જોઈએ તો, વલસાડ તાલુકામાં 43 mm, પારડી તાલુકામાં 11 mm, વાપી તાલુકામાં 40 mm, ઉમરગામ તાલુકામાં 27 mm, ધરમપુર તાલુકામાં 05 mm અને કપરાડા તાલુકામાં 03 mm વરસાદ વરસ્યો છે. તો, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 8 mm અને દમણમાં 40mm વરસાદ નોંધાયો છે.