સેલવાસ :- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં નશીલા પદાર્થોનો કાળો કારોબાર ધમધમતો હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે. દાદરા નગર હવેલી પોલીસે બાતમી આધારે ગૌરવકુમાર ચંદ્રવીર નામના બિહારી યુવકની ધરપકડ કરી 72,800 ₹નો 7.280 KG ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આ અંગે દાદરા નગર હવેલીના જિલ્લા પોલીસવડા હરેશ્વર સ્વામીએ વિગતો આપી હતી કે, દાદરા નગર હવેલીમાં ચાલતા નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવાના મિશનમાં સેલવાસ પોલીસને વધુ એક સફળતા મળી છે. દાદરા નગર હવેલીમાં નશીલા પદાર્થોનું વેંચાણ થતું હોવાનું ધ્યાને આવ્યાં બાદ 21મી જૂને સેલવાસના અથોલા ખાતે એક ચાલીમાં રેઇડ કરી ગાંજાનું વેંચાણ કરનારા બિહારના પટનાના રહીશ ગૌરવ કુમાર ચંદ્રવીર નામના આરોપીની ધરપકડ કરી છે. રેઇડ દરમ્યાન પોલીસને 7.280 Kg ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત 72,800 રૂપિયા છે. પોલીસે ગાંજાના જથ્થા સાથે આરોપીને દબોચી લઈ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કર્યો હતો. જેમાં વધુ તપાસ માટે નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
આ સમગ્ર કાર્યવાહી DIGP વિક્રમજીત સિંહ ની સૂચના અને દિશાનિર્દેશ હેઠળ બજાવવામાં આવી હતી. જેમાં DSP હરેશ્વર સ્વામી, SDPO સિદ્ધાર્થ જૈનના માર્ગદર્શનમાં PI સેબાસ્ટીયન દેવાસીયા અને પોલીસ સ્ટાફે અથોલા વિસ્તારમાં શિવપ્રકાશ મેમોરિયલ સ્કૂલની સામે નિતેશની ચાલમાં રેઇડ કરી હતી. અને ચાલમાં રહેતા ગૌરવકુમારને ગાંજાના જથ્થા સાથે દબોચી લીધો હતો. પકડાયેલ આરોપી સામે under section 8(c), 20(b)(ii)(B) of NDPS Act 1985 હેઠળની કલમ નોંધી 4 દિવસના રિમાન્ડ મેળવી આ નશીલા કારોબારમાં અન્ય કેટલા ઈસમો સામેલ છે. તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલી પોલીસે આ પહેલા પણ આ જ મહિનામાં 5 કિલો ગાંજા સાથે 2 આરોપીને અને તે પહેલાં પણ એક આરોપીને ગાંજા સાથે ઝડપી પાડ્યા હતાં. ત્યારે નશીલા પદાર્થોની હેરેફેરીમાં પોલીસે વધુ એક મહત્વની સફળતા મેળવી છે.