Sunday, December 22News That Matters

Part-1- રિવર લિંક પ્રોજેકટ મુદ્દે ઉઠેલા વિરોધને ડામવા વલસાડમાં નાણામંત્રી, આદિજાતિ મંત્રી સહિત વલસાડ-ડાંગના ધારાસભ્યોની પત્રકાર પરિષદ

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં સૂચિત પાર-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટ મામલે ઉઠી રહેલા વિરોધને ડામવા માટે કેન્દ્ર સરકાર માંથી આદેશ છૂટ્યા બાદ રવિવારે વલસાડના સર્કિટ હાઉસ ખાતે ગુજરાત રાજ્ય સરકારના નાણાપ્રધાન કનું દેસાઈ, આદિજાતિ મંત્રી તેમજ વલસાડ-ડાંગના પ્રભારી નરેશ પટેલ, પાણી પુરવઠા વિભાગના મંત્રી જીતુ ચૌધરી, પૂર્વ મંત્રી રમણલાલ પાટકર, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિતના રાજકીય આગેવાનોએ પત્રકાર પરિષદ બોલાવી આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં આ સ્થળે કોઈ ડેમ બનવાનો જ નથી. અને કોઈ જ પરિવાર વિસ્થાપિત થવાનો નથી. આ એક રાજકીય કાવતરા હેઠળ આદિવાસી સમાજના લોકોને બહેકાવવા માં આવી રહ્યા હોવાનો ખુલાસો કર્યો હતો.
વલસાડ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં કનું દેસાઈએ જણાવ્યું હતું કે તેમણે બજેટમાં જે 500 કરોડની ફાળવણી કરી છે. તે સ્થાનિક ધરમપુર-કપરાડા વિસ્તારમાં નાના ચેક ડેમ બનાવવા માટે ફાળવ્યા છે. જે પંચવર્ષીય યોજના હેઠળ દર વર્ષે 90-100 કરોડ મુજબ ફાળવણી કરવામાં આવશે. રિવર લિંક પ્રોજેકટ કેન્દ્ર સરકાર નો છે. અને તે ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચેના કરાર બાદ આકાર લેશે. જે અંગે આગામી એકાદ બે દિવસમાં ગુજરાત નું પ્રતિનિધિ મંડળ દિલ્હી જશે ત્યાં આ મામલે ચર્ચા કરશે. જો આ પ્રોજેકટમાં સ્થાનિક આદિવાસી સમાજને નુકસાન થતું હશે તો તે પ્રોજેકટ નો અમે જ વિરોધ કરીશું.
હાલમાં જે વિરોધ થઈ રહ્યો છે. તે વિરોધ વિરોધી પક્ષો દ્વારા આદિવાસી સમાજને ભોળવી કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં ધરમપુર માં કોઈ જ મોટો ડેમ બનવાનો નથી. પત્રકાર પરિષદમાં તમામ રાજકીય આગેવાનોએ ઍક જ રાગ આલાપ્યો હતો કે આદિવાસી સમાજને નુકસાન થાય તેવી કોઈ કામગીરી ગુજરાત સરકાર કરવા માંગતી નથી. આ બાબતે સ્થાનિક બચાવ સમિતિ પણ તેમની સાથે છે. તેમના પ્રમુખ-ઉપપ્રમુખ ચિંતામણીભાઈ, કાશીનાથભાઈ અને સમિતિના અન્ય આગેવાનો, ડાંગના આગેવાનો તેમની સાથે છે. જેઓ સાથે પણ આ બાબતે ચર્ચા કરી છે. જરૂર પડ્યે બચાવ સમિતિ સાથે જે તે વિસ્તારમાં જઈને ખાસ બેઠકનું આયોજન કરીને પણ આ મામલે વિરોધ કરનારા લોકોને સાચી હકીકતથી વાકેફ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ મામલે હવે જ્યારે વિરોધનો સુર છેક વિધાનસભા અને લોકસભા સુધી પહોંચ્યો તે બાદ જ કેમ મંત્રીઓએ ખુલાસા કરવા આવવું પડ્યું શુ આ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી ડેમેજ કન્ટ્રોલ કરવાની તજવીજ છે? તેવા સવાલના જવાબમાં પણ મંત્રીઓએ જણાવ્યું હતું કે આમાં ડેમેજ કન્ટ્રોલની કોઈ વાત નથી. માત્ર લોકોને સાચી હકીકતની જાણકારી આપવા જ આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *