વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યુવા કોંગ્રેસની કારોબારી મિટિંગ દરમ્યાન પત્રકારો સાથે બબાલ કરનાર વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પુત્ર પ્રવેશ પટેલે વાપી-ઉમરગામના પત્રકારો સાથે પત્રકાર પરિષદ યોજી જે ઘટના ઘટી હતી. તે બાબતે પોતાનો પક્ષ રાખી બબાલ કરવામાં સામેલ પત્રકારો સામે ગંભીર આક્ષેપ કર્યા છે.
લાતમલાત વાળી આ ઘટના પર આવતા પહેલા પ્રવેશ પટેલે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, તેઓ પોતે રાજકીય આગેવાનના પુત્ર હોવા સાથે ઉમરગામ તાલુકા યુવા પ્રમુખ છે. અને મીડિયાની રિસ્પેક્ટ કરતા આવ્યાં છે. તેમણે ક્યારેય કોઈને એક થપ્પડ પણ મારી નથી. જે ઘટના ઘટી હતી તે માત્ર એક રિજનલ ચેનલના પત્રકારને કારણે ઘટી હતી. એ પત્રકાર પહેલેથી જ તેની સાથે અંટશ રાખે છે. આ પત્રકારે તેને ઉશ્કેરણીજનક અપશબ્દો કહ્યા હતાં. પત્રકાર પરિષદમાં બેસેલા અન્ય મીડિયા કર્મીઓને જબરદસ્તી પત્રકાર પરિષદનો બહિષ્કાર કરાવ્યો હતો.
આ પત્રકાર જ્યારે અન્ય પત્રકારોને લઈને બહાર નીકળ્યા ત્યારે એવું નહિ કરવા અમે રિકવેસ્ટ કરી હતી. પરંતુ તે બબાલ કરવાના મૂડમાં આવેલ તેમના પિતા જોડે અને ભાઈ જોડે તેમજ અન્ય કોંગ્રેસી આગેવાનો જોડે એલફેલ બોલ્યો હતો. એટલે પોતે ઉશ્કેરાઈ ગયો હતો. અને લાત મારી હતી જે વિડીઓમાં રેકોર્ડ થઈ હતી. જ્યારે એ પહેલાં પત્રકાર જે બોલ્યો તે રેકોર્ડ નહોતું. એટલે એ વિડિઓ ક્લિપના જોરે મને ખરાબ ચીતરી મારી સામે FIR નોંધવામાં આવી છે.
પ્રવેશ પટેલે પોતાની ભૂલ બદલ માફી માંગતા જણાવ્યું હતું કે, મારી હરક્તથી પત્રકારોને જે દુઃખ થયું છે. તેનાથી હું દિલગીર છૂ પણ જે બે પત્રકારોએ આ હરકતો કરવા મને ઉશ્કેર્યો તેની હૂં ક્યારેય માફી નહિ માંગુ. આ વ્યક્તિએ પોતાની પર્સનલ મેટરમાં અન્ય મીડિયાનો સહારો લીધો છે. વિડીઓનો એક ટુકડો જે પોતાની ફેવરમાં હતો તે બતાવ્યો પરન્તુ પત્રકારે પોતે શુ કર્યું તે વિડિઓ જાહેર કર્યો નથી. જે વિડિઓ અમારી પાસે છે. અને અમે તે આધારે તેની સામે કાર્યવાહી કરીશું.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ કાર્યાલય ખાતે બનેલ ઘટના બાદ વલસાડ જિલ્લાના પત્રકાર જગતમાં અને રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો હતો. જિલ્લાના તમામ પત્રકારોએ એક સુરે આ ઘટનાને વખોડી જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારે, હવે આ પ્રકરણમાં કોંગ્રેસી યુવા નેતા પ્રવેશ પટેલે પોતાનો પક્ષ રાખી ગંભીર આક્ષેપો કર્યા છે. એટલે હવે આ ઘટનામાં વધુ કોઈ નવો વણાંક આવી શકે છે.