વાપી નજીક ડુંગરા ગામમાં આવેલ હરિયાપાર્ક ખાતે છેલ્લા 27 વર્ષથી આસ્થા ના પ્રતીક ગણાતા અંબામાતા મંદિરે વધુ ચાર દેવોની મૂર્તિનું ભક્તિભાવ સાથે સ્થાપન કરવામાં આવ્યું હતું. 2 દિવસીય આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે ગણેશ પૂજન, દેવ પૂજન બાદ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જ્યારે બીજા દિવસે સવારે પૂજા-હવન બાદ બપોરે 12 કલાકે વિજય મુહૂર્તમાં મૂર્તિઓની સ્થાપના કરી ભક્તોને દેવોના દર્શનનો લાભ આપ્યો હતો.
વાપી નજીક ડુંગરા ગામે 27 વર્ષથી બિરાજમાન અંબા માતા મંદિરે દરેક સમાજના લોકો આવે અને તેમના ઇષ્ટદેવને નમન કરી શકે તેવા ઉદ્દેશથી હરિયા પાર્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગોપાલકૃષ્ણ, હનુમાનજી, શિવપરિવાર, ગણેશજીની મૂર્તિઓનું શાત્રોક્ત વિધિવિધાન સાથે ભક્તિમય વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે. જે માટે આયોજિત બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું બુધવારે ભક્તિભાવ સાથે સમાપન કરવામાં આવ્યું હતું.
આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંગે ટ્રસ્ટીઓ દ્વારા જણાવ્યું હતું કે ડુંગરામાં હરિયાપાર્ક ખાતે 27 વર્ષથી અંબામાતાનું મંદિર હતું. જેમાં અન્ય દેવી-દેવેતાઓની પણ સ્થાપના કરવામાં આવે તેવી ઈચ્છા હરિયા પાર્ક સહિત ગામના ભક્તોજનોની હતી. જે ધ્યાને આવ્યા બાદ ગોપાલકૃષ્ણ, હનુમાનજી, શિવપરિવાર, ગણેશજી એમ વધુ ચાર મંદિરનું નિર્માણ કરવાનું બીડું હરિયા પાર્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપાડવામાં આવ્યું હતું.
જેથી 14મી ડિસેમ્બરે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે ગણેશ પૂજન, દેવ પૂજન બાદ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જ્યારે બીજા દિવસે 15મી ડિસેમ્બરે સવારે પૂજા-હવન બાદ બપોરે 12 કલાકે વિજય મુહૂર્તમાં મૂર્તિઓની સ્થાપના કરી ભક્તોને દેવોના દર્શનનો લાભ આપ્યો હતો. જે બાદ મહાપ્રસાદનું આયોજન કરી મંદિરના દાતાઓ, ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.