વલસાડ જિલ્લાના વેલવાછ ગામમાં આવેલ એક મરઘાં ફાર્મમાં બર્થ ડે પાર્ટીની આડમાં ચાલતી હતી દારૂની મહેફિલ, રૂરલ પોલીસે રંગમાં ભંગ પાડી એક સગીર સહિત 27 નબીરાઓને 11 વાહનો 25 મોબાઇલ એક તલવાર મળી કુલ 4.66 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
વલસાડ જિલ્લાના રૂરલ પોલીસ હદ વિસ્તારમાં LCBની ટીમે કાંજણહરિ ગામમાં વરસાદના વધામણા કરવા માટે સરપંચ દ્વારા આપવામાં આવેલી દારૂની પાર્ટીમાં એક સગીર સહિત 41 લોકો સામે કાયદાકીય કાર્યવાહીની ચકચારી ઘટના બાદ ફરી એક વાર વલસાડ રૂલર પોલીસની ટીમેં વેલવાછ અને કાકાડમતી ગામની વચ્ચે આવેલા કુંડી ફળિયાના એક મરઘા ફાર્મમાં બર્થડે પાર્ટીની આડમાં ચાલતી દારૂની મહેફિલમાંથી એક સગીર સહિત 27 યુવકોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા છે.
વલસાડ રૂરલ પોલીસની ટીમેં બાતમીના આધારે કાકડમતી અને વેલવાછ વચ્ચે આવેલા અરવિંદભાઈ છનાભાઈ પટેલના મરઘાં ફાર્મમાં રેઇડ કરી હતી. જ્યાં આશિષ શંકર કોડચાની બર્થ ડે પાર્ટીમાં દારૂ પીરસાઈ રહ્યો હતો. બર્થ ડે પાર્ટીની આડમાં ચાલતી દારૂની મહેફિલ ઉપર રેડ કરી પોલીસે એક સગીર સહિત 27 યુવકોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા. રૂરલ પોલીસે બર્થ ડે બોય આશિષ શંકર કોડચા અને એક સગીર સહિત 27 પીદ્ધડોની ધરપકડ કરી મેડિકલ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.
દારૂની આ મહેફિલમાં પોલીસે 6 દારૂની ખાલી બોટલ, 25 મોબાઈલ અને 11 વાહનો મળી કુલ 4.66 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ બર્થ ડે ની કેક કાપવા લાવેલી એક તલવાર પણ જપ્ત કરી છે. બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 27 નબીરાઓને પોલીસે દબોચી લેતા જિલ્લામાં ફરી એકવાર ખળભળાટ મચ્યો છે.