વાપીના ટાઉન વિસ્તારમાં રામજી મંદિર પાસે આવેલ વિકાસભાઈ બાબુભાઈ શાહના બંધ ફલેટમાંથી જુગાર ધામ ઝડપાયું છે. વાપી ટાઉન પોલીસે ફ્લેટમાં દરોડો પાડી જુગાર રમતા પાંચ ઈસમ અને એક યુવતીને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો છે. પકડાયેલ જુગારીયાઓ પૈકી ફ્લેટનો માલિક મહિલા સાથે ભાગીદારીમાં આ જુગારધામ ચલાવતો હોવાનો પર્દાફાશ કર્યો છે.
ટાઉન પોલીસ તરફથી મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લા પોલીસ એસઓજીની ટીમ વાપી પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વાપીના કચીગામ રોડ ઉપર આવેલ રામજી મંદિર પાસેના રોયલ ગેસ્ટ હાઉસની પાછળના બિલ્ડિંગમાં જુગાર રમાઈ રહ્યો છે.
આ બાતમી આધારે પોલીસે બાતમી વાળા સ્થળે છાપો મારતા જુગા૨ ૨મી રહેલા મકાન માલિક વિકાસ બાબુ શાહ, દયારામ આચાર્ય ભાનુશાલી, વકીલ કુમાર બાબા વિશ્વકર્મા, સુરેશ દેવજી કટારમલ, વિજયરામ લખન જયસ્વાલ અને મહિલા સોનલ મનીષ મોડીયાને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતાં.
પોલીસે તમામ ની ધરપકડ સાથે દાવમાં રહેલા તથા અંગ ઝડતીમાંથી 82,100 રૂપિયા રોકડા, 31 હજારના આઠ મોબાઇલ, 60 હજારના 2 મોપેડ મળી કુલ 1,73,100 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.