વાપીમાં ઘરફોડ ચોરીના બે આરોપી હાઈવે પર ટ્રાફિકનો લાભ લઈ છટકી જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. વાપી ટાઉન પોલીસના હાથે ઝડપાયેલા બંને ઘરફોડ અને મોબાઈલ ચોરીના આરોપીઓને પોલીસ ઝાપતા હેઠળ કેદીવાનમાં નવસારી સબજેલમાં લઈ જતી વખતે ટ્રાફિકજામનો ફાયદો લઈ બન્ને આરોપીઓ વાનમાંથી ઉતરી ફરાર થઈ ગયા હતાં. જેને શોધવા પોલીસે નાકાબંધી કરવા ઉપરાંત 4 જેટલી ટીમની રચના કરી વલસાડ જિલ્લા સહિત મહારાષ્ટ્રમાં અને બિહાર માં તપાસ હાથ ધરી છે.
ગુરુવારે રાત્રે 8 વાગ્યા આસપાસ વાપી ટાઉન પોલીસ મથંકમાં ઘરફોડ અને મોબાઇલ ફોન ચોરીમાં ઝડપાયેલા બે પાસવાન ભાઇઓ અનુક્રમે જયનંદન ઉર્ફે લિલ્લા ગણેશ પાસવાન અને પ્રશાંત ઉર્ફે રાહુલ ગણેશ પાસવાનને નવસારી સબ જેલમાં મુકવા જઇ રહેલી કેદીવાન વાપી હાઇવે પર ટ્રાફિકમાં ફસાઈ હતી. એ દરમ્યાન બન્ને કેદીઓએ પોલીસને ચકમો આપી ફરાર થઇ જતા જિલ્લાનું પોલીસ તંત્ર દોડતું થયું.
આધાર ભુત સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી ટાઉન પોલીસ મથકની હદમાં બે દિવસ પહેલા ચોરીના ગુનામાં ઝડપાયેલા પ્રશાંત પાસવાન અને જયનંદન પાસવાનને વાપી ટાઉન પોલીસ મથકની ટીમ નવસારી સબ જેલમાં છોડવા માટે સાંજે વાપીથી નવસારી કેદીવાનમાં લઇ જઇ રહી હતી. તે દરમિયાન વાપી હાઇવે પર ટ્રાફિક જામ હોવાને કારણે કેદીવાન ટ્રાફિકમાં ફસાઈ હતી. જેનો લાભ લઇ બન્ને કેદીઓ વેનમાંથી ઉતરી ભાગી ગયા હતાં.
ઘટનાને પગલે સમગ્ર વલસાડ જિલ્લાની પોલીસ દોડતી થઇ હતી. વાપી વિસ્તારમાં તમામ માર્ગો ઉપર નાકા બંધી કરી તપાસ હાથ ધરી હતી. જો કે, બન્ને ફરાર થયેલા આરોપી બીજા દિવસે સાંજ સુધી પોલીસ ને હાથ લાગ્યા નથી. જેને ઝડપી પાડવા પોલીસે 4 જેટલી ટીમનું ગઠન કરી વલસાડ જિલ્લા ઉપરાંત બંને આરોપીઓ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઇસરના ગણેશ નગરમાં રહેતા હોય અને મૂળ બિહારના હોય મહારાષ્ટ્ર અને બિહારમાં ટીમ મોકલી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, આ પોલીસની કેદીવાનમાં વાપી ટાઉનના બે અને ડુંગરા પોલીસ મથકના 3 મળી કુલ પાંચ આરોપીઓ હતા. જેને પોલીસની ટીમ નવસારી સબ જેલમાં છોડવા જતી હતી તે દરમિયાન વાપી હાઇવે પર ટ્રાફિકનો લાભ લઇ રીઢા ઘરફોડ અને મોબાઈલ ચોર પોલીસને ચકમો આપી નાસી ગયા હતાં.