સમગ્ર રાજ્યમાં રથયાત્રા પર્વને લઈને પોલીસ સુરક્ષા બંદોબસ્ત માં વ્યસ્ત બની છે. વલસાડ જિલ્લામાં પણ વલસાડ, પારડી, વાપીમાં આવેલ જગન્નાથજી મંદિરેથી ભવ્ય રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને જિલ્લા પોલીસ વડાએ દરેક ધર્મના લોકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી જરૂરી સૂચનો આપ્યા હતાં. તો, વાપી ટાઉન વિસ્તારમાં પોલીસે ડ્રોન કેમેરાની મદદથી આસપાસના વિસ્તારનો એરિયલ વ્યુ લઈ સુરક્ષા અંગેની ચકાસણી કરી હતી. પોલીસે તમામ ધર્મના વડાઓની અપીલ કરતા વીડિઓ પણ દરેક સોશ્યલ મીડિયામાં ફેરવી પર્વ દરમ્યાન કોમી એકતા જળવાય રહે તેવી અપીલ કરાવી છે.
અષાઢી બીજના ભગવાન જગન્નાથ શહેરની નગરચર્યા એ નીકળવાના છે. 2 વર્ષ બાદ આ વર્ષે દરેક શહેરમાં આવેલ જગન્નાથજી મંદિરેથી ભવ્ય રથયાત્રા નીકળવાની છે. જે માટે ભક્તો અને મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તો, ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમ્યાન રાજ્યમાં ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ ન બને કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લામાં પણ વલસાડ, પારડી, કોપરલી, વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલ જગન્નાથજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે. જેમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે દરેક પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર દ્વારા શાંતિસમિતિની બેઠકનું અયોજન કરવામાં આવ્યું હતું. વાપીમાં પોલીસે ચાંપતી નજર રાખવા ડ્રોનનો ઉપયોગ કર્યો છે. બુધવારે રાત્રે કોપરલી ચાર રસ્તા સહિત રથયાત્રાના મુખ્ય રૂટ પર ડ્રોન કેમેરાની મદદથી એરિયલ વ્યુ લેવામાં આવ્યા હતાં.
પોલીસે વાહનચાલકોનુ પણ સઘન ચેકીંગ હાથ ધરવા સાથે દરેક ધર્મના વડાઓ પાસે અપીલ કરતા વીડિઓ પણ દરેક સોશ્યલ મીડિયામાં ફેરવી પર્વ દરમ્યાન કોમી એકતા જળવાય રહે, કોઈપણ પ્રકારની ખોટી અફવામાં દોરાઈ જઇ કાયદો હાથમાં નહિ લેવા અપીલ કરાવી છે.