નાની દમણમાં આવેલ પ્રદેશ ભાજપ કાર્યાલય સામે કાર પાર્કિંગની નજીવી બાબતે કાર ચાલક અને કાર્યાલયના કર્મચારી વચ્ચે બોલાચાલી અને મારામારી ની ઘટના બનતા નાની દમણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાઈ છે. ઘટનામાં કાર ચાલકે કાર્યાલયના કર્મચારીને માર મારતા તેઓએ હોસ્પિટલમાં સારવાર લીધી હોવાની અને હુમલો કરનાર કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવતા દમણ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
ફરિયાદીએ નોંધાવેલ ફરિયાદ આધારે મળતી વિગતો મુજબ નાની દમણમાં ગોવા બેન્ક નજીક આવેલ પ્રદેશ ભાજપ કાર્યાલય પર મહેન્દ્ર કેશવ પટેલ છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવે છે. આ ભાજપ કાર્યાલય સામે વ્યવસાયે વકીલ એવા ચિંતન <span;>મોડાસિયા નામના વ્યક્તિએ પોતાની કાર પાર્ક કરી હતી.
જે કાર્યાલયમાં આવતા હોદ્દેદારો અને કર્મચારીઓના વાહન પાર્કિંગ માટે અડચણરૂપ બની શકે તેમ હોય કાર ચાલકને કાર પાર્ક નહિ કરવા જણાવતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં કાર ચાલક ચિંતન મોડાસીયા ભાજપ પ્રદેશ કાર્યાલયના કર્મચારી મહેન્દ્ર પટેલ સાથે ઉગ્ર બોલાચાલી કરી ધક્કો મારતો હોવાનો વિડિઓ CCTV માં કેદ થયો છે. ઘટના અંગે ભાજપ કર્મચારીને ઇજા થઇ હોય ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ નાની દમણ પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે, સુરક્ષા સલામતીની વાતો કરતા ભાજપના કાર્યાલય પર જ તેમના જ કર્મચારી સાથે કાર ચાલકે કરેલી હરકતો બાદ પણ આ મામલે ભાજપના કહેવાતા નેતાઓએ કોઈ જ પ્રતિક્રિયા સાથેની કાર્યવાહી નહિ કરતા અને પોતાના કર્મચારીને જ ન્યાય અપાવવામાં ઉણા ઉતર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કે જે પોતાના કર્મચારી ને ન્યાય નથી અપાવી શકતા તે નેતાઓ જનતાનું શુ ભલું કરશે અને જનતા માટે ક્યાંથી આગળ આવશે.