Thursday, December 26News That Matters

દાદરા નગર હવેલીની નમો મેડિકલ કોલેજમાં સરકારી નોકરીની લાલચ આપી 1.28 કરોડની ઠગાઈ કરનાર એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી

કેન્દ્રશાસિત દાદરા નગર અને હવેલીના સાયલી ખાતે આવેલી નમો મેડિકલ કોલેજમાં સરકારી – નોકરીની લાલચ આપી 1.28 કરોડની છેતરપીંડી કરનાર એક વ્યક્તિની DNH પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દાદરા નગર હવેલી અને ગુજરાતના 120થી વધુ યુવાનો સાથે 2 વ્યક્તિઓએ સરકારી નોકરી આપવવાના બહાને છેતરપીંડી કરી કુલ 1.28 કરોડની રકમ પડાવી લીધી છે. જે અંગે સેલવાસ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પકડાયેલ વ્યક્તિએ તેના સાથીદાર સાથે મળી સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનોને DNH ની નમો મેડિકલ કોલેજમાં સરકારી નોકરી અપાવવાના બહાને વ્યક્તિદીઠ 3-3 લાખ રૂપિયા લીધા હતાં.

આ અંગે દાદરા નગર હવેલી પોલીસે આરોપીના ફોટો સાથે એક પ્રેસનોટ બહાર પાડી છે. જેમાં આપેલ વિગતો મુજબ સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં બે વ્યક્તિ કેટલાક લોકોનું મેડિકલ કરાવી રહ્યા હતા તે સમયે ત્યાં ફરજ પરના પોલીસને શંકા જતાં તેઓની પૂછપરછ કરી હતી.

પોલીસ પૂછપરછ માં બન્ને વ્યક્તિઓ તરફથી તેઓ યોગ્ય જવાબ નહીં મળતાં સેલવાસ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જેથી બન્ને વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં વધુ પૂછપરછ માં જાણવા મળ્યું કે, બન્ને વ્યક્તિઓ DNHના સાયલી સ્થિત નમો મેડિકલ કોલેજમાં નોકરી અપાવવાના નામે લાલચ આપી કેટલાક લોકો પાસેથી પૈસા પડાવે છે.

આ ઘટનાની જાણકારી ભોગ બનનાર લોકોને મળતા સેલવાસ પોલીસ સ્ટેશન પર લોકો એકઠા થયા હતાં. આ સમગ્ર ઘટના સાયલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોવાથી બન્ને વ્યક્તિને સાયલી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા અને તેઓ વિરુદ્ધ કલમ 318(4), 336(2) BNS-2023 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસે આ મામલે કમલેશ રવિન્દ્ર જાગડેની ધરપકડ કરી છે. જેણે કબૂલાત કરી છે કે, તે દરેક લોકોને નમો મેડિકલ કોલેજમાં લઈને જતો હતો અને બોગસ ફોર્મ એમની પાસે ભરાવતો હતો. જેના એક મહિના પછી નમો મેડિકલ કોલેજના નકલી આઈકાર્ડ પણ બનાવી આપતા હતો. એ દરેકને ભરોસો અપાવવા માટે એક વખત દરેકને પગાર પણ એમના બેંક ખાતામાં નાખી દેતો હતો.

તેમજ તેઓને લદાખ યુનિવર્સિટીમાં ટ્રેનિગના બહાને અને ગોવા ફરવા લઈ જવામાં આવતા હતા. જેના કારણે ભોગ બનનારા યુવાનોને એના પર વિશ્વાસ આવી ગયો હતો અને અન્ય લોકો તેમજ નજીકના લોકોને પણ સરકારી નોકરીની લાલચમાં કમલેશ સાથે મુલાકાત કરાવતા હતા.

આ જ રીતે છેલ્લા છ મહિનાથી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. જેના થકી આરોપીએ અંદાજીત 1 કરોડ 80 લાખ જેટલા રૂપિયાની ઠગાઈ કરી નિર્દોષ યુવાનોને પોતાની ઝાળમાં ફસાવ્યા હતા. હાલ આ સમગ્ર મામલે DNH પોલીસે આ ભેજાબાજની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *