Thursday, November 21News That Matters

વાપીની મેરિલ કંપનીમાં મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફ્રેક્ચર પ્લાન્ટનું વીડિયો કોન્ફરન્સથી PM એ કર્યું ઉદ્ઘાટન, ગુજરાત ના CM સહિતના મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

ધન તેરસ એટલે કે, ધનવંતરી જયંતિ અને 9 મા આયુર્વેદ દિનની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ રાજ્યોમાં હેલ્થ સેકટરને વધુ સુદઢ અને સશક્ત બનાવવા 12,850 કરોડના આરોગ્યલક્ષી વિવિધ પ્રોજેક્ટની દિવાળી ભેટ દેશવાસીઓને આપી હતી.

આ પ્રસંગે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચલા સ્થિત મેરિલ કંપનીના મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફ્રેક્ચર પ્લાન્ટનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરાયું હતું. જેમાં મેરિલ કંપનીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.  

Advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંત્રીઓ સાથે મેરિલ પાર્ક પહોંચી હાર્ટ વાલ્વ અને સ્ટેન્ટના મેન્યુફ્રેક્ચરિંગ પ્લાન્ટનું નિરિક્ષણ કર્યુ હતું. વડાપ્રધાન દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મેરિલ પાર્ક – 1 માં ઉદઘાટન કરાયેલા મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફ્રેક્ચરિંગ પ્લાન્ટની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. આ પ્લાન્ટમાં મુખ્યત્વે સર્જિકલ રોબોટિક્સ, હાર્ટ, વાલ્વ, સ્ટેન્ટ અને કેન્સર રિસર્ચની કામગીરી થશે. કેન્સર રિસર્ચ સર્જિકલ રોબોટિક્સ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની તલસ્પર્શી માહિતી મેળવી હતી.

ત્યારબાદ મેરિલ સ્ટુડીયોમાં મેડિકલ ડિવાઈસમાં બનતા દરેક પ્રકારના ઉપકરણો જેમ કે, ટ્રોમા ઈમ્પ્લાન્ટસ, ઓર્થોપેડિકલ ઈમ્પ્લાન્ટસ અને ભારતનું સૌ પ્રથમ ની (ઘૂંટણ) રિપ્લેસમેન્ટ માટે રોબોટ (મીશો)ની રસપ્રદ માહિતી મેળવી હતી. એકેડેમીમાં “મેરાઈ ડેટા સેન્ટર”નું પણ ઉદઘાટન કર્યુ હતું. આ ડેટા સેન્ટરનો ઉદ્દેશ આરોગ્ય ક્ષેત્રમાં વૈશ્વિક પરિવર્તન લાવવા માટે Artificial Intelligence (AI)નો ઉપયોગ કરી માનવ જીવનની ગુણવત્તામાં મહત્તમ સ્તરે વધારો કરાશે. આરોગ્ય ડેટાનો ઉપયોગ કરી નવી નવી દવાઓની શોધ કરી દર્દીઓના ઉપચાર અને નિદાનની ચોકસાઈમાં સુધારો કરી શકાશે.

મેરિલ એકેડેમીના તક્ષશિલા ઓડિટોરીયમમાં વડાપ્રધાનના દિલ્હીથી પ્રસારિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યુ હતું. મુખ્યમંત્રીના હસ્તે મેરિલ સંકલ્પ બુક અને ક્લાઈમેટ ચેન્જથી આરોગ્ય ઉપર થતી અસરો અંગે તૈયાર કરાયેલી બુકનું વિમોચન કરવામાં આવ્યુ હતું. મેરિલ કંપનીના અંજુમભાઈ બિલખીયા અને સીઈઓ વિવેકભાઈ શાહે મુખ્યમંત્રીને મેરિલ કંપની વિશેની “મેક ઈન ઈન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત”ની વિસ્તૃત માહિતી આપી હતી.

આરોગ્ય ક્ષેત્રે વરદાન સમાન ગણાતા આયુષ્યમાન કાર્ડ ખાસ કરીને સિનિયર સિટિઝનો માટે વધુ ઉપયોગી બની શકે તે માટે વડાપ્રધાન દ્વારા નવી પહેલ કરી 70 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે રૂ. 6 લાખ સુધીની આવક મર્યાદા હતી તે નાબૂદ કરવામાં આવી છે. હવે માત્ર આધાર કાર્ડ અને રાશન કાર્ડ રજૂ કરવાથી આયુષ્યમાન કાર્ડનો લાભ મેળવી શકાશે. આ નવી પહેલ હેઠળ કાર્ડનો લાભ મેળવનાર વલસાડ જિલ્લાના PMJAYના લાભાર્થી ધીરૂભાઈ રમણભાઈ પટેલ અને સવિતાબેન ભીખુભાઈ પટેલને મુખ્યમંત્રીના હસ્તે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન દ્વારા આ પ્રસંગે સગર્ભા માતા અને 0 થી 16 વર્ષના બાળક માટેની વેક્સિન અંગે યુ-વિન પોર્ટલનો શુભારંભ કરાયો હતો. જેમાં સગર્ભા માતા અને 0 થી 16 વર્ષના બાળકની તમામ પ્રકારની વેક્સિનની માહિતી દેશના કોઈપણ ખૂણેથી ઉપલબ્ધ થઈ શકશે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લાભાર્થી ભાવિકા અંકિતભાઈ પટેલ અને વિનત કાજલબેન કેતનભાઈ પટેલને ઈ-વેક્સિન સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આયુષ્યમાન કાર્ડના 70 વર્ષ કે તેથી વધુ વયના લાભાર્થીઓના પરિપ્રેક્ષ્યમાં તૈયાર કરાયેલી શોર્ટ ફિલ્મ, આર્યુવેદનું મહત્વ, ફાર્મા સેકટર અને યુ- વિન પોર્ટલ કેવી રીતે કામ કરશે અને ઉપયોગી થશે તે અંગેની શોર્ટ ફિલ્મ સૌએ નિહાળી હતી.

આ પ્રસંગે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, લોકસભાના દંડક અને સાંસદશ્રી ધવલભાઈ પટેલ, વલસાડ, કપરાડા અને ધરમપુર, ઉમરગામના ધારાસભ્યો ભરતભાઇ પટેલ, જીતુભાઇ ચૌધરી, અરવિંદભાઇ પટેલ અને રમણલાલ પાટકર, વાપી પાલિકાના પ્રમુખ પંકજભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઇ કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, વાપી વીઆઈએના પ્રમુખ સતિષ પટેલ, મેરિલ કંપનીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ સંજીવ ભટ્ટ, ડિરેક્ટર પ્રમોજકુમાર મિનોચા અને આર.જી.વ્યાસ ઉપસ્થિત રહયા હતાં.

ઉલ્લેખનીય છે કે, વાપીની મેરિલ કંપની ભારતની વૈશ્વિક કક્ષાએ અગ્રણી મેડટેક કંપની તરીકે નામના ધરાવે છે. 2007માં સ્થપાયેલી મેરિલ પાંચ મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. કાર્ડિયોવાસ્ક્યુલર, ઓર્થોપેડિક્સ, એન્ડો સર્જરી, સર્જિકલ રોબોટિક્સ, અને ડાયગ્નોસ્ટિક્સ. 10 હજારથી વધુ કર્મચારીઓ અને 150થી વધુ દેશોમાં કામગીરી સાથે મેરિલે 31 દેશોમાં સીધી સબસિડીરી ઓફિસ સ્થાપી છે. મેડિકલ ટેકનોલોજીમાં નવીનતમ ટ્રેનિંગ માટે મેરિલ એકેડેમી 12 દેશોમાં હાજર છે. વર્ષ 2024ના વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મેરિલે ગુજરાત સરકાર સાથે રૂ. 910 કરોડના નવા રોકાણના કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. અત્યાર સુધી મેરિલે રૂ. 1400 કરોડથી વધુનું રોકાણ કર્યું છે જે ભારતમાં મેડટેક ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવે છે.

1 Comment

  • Zahid Radhanpura

    We are proud of Bhilakiya groups involve in Meril, and their achievements in the field of medical science and the innovation they did with modern technology (AI) for the modern treatment will be benefited to everyone in India and even abroad, we further wish, best wishes for their sharp vision in future. ( Zahid Radhanpura)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *