Saturday, October 19News That Matters

‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ધરમપુરના વાઘવળમાં 2000થી વધુ રોપાઓનું પ્લાન્ટેશન તેમજ સ્નેક વેનમનું ડિસ્ટ્રીબ્યુશન કરાયું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા ‘‘એક પેડ મા કે નામ’’ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાઘવળ ગામે શંકરધોધની બાજુમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બપોરે 03:30 કલાકે વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જેમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા વિવિધ પ્રજાતિના 2000 થી વધુ રોપાઓનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. સાથે સાથે લાયો ફિલાઈઝ્ડ સ્નેક વેનમ અને એન્ટી સ્નેક વેનમ બનાવતી કંપનીઓને ગુજરાત સ્પેશિફિક એન્ટી સ્નેક રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ દ્વારા બનાવાયેલા સ્નેક વેનમનું ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવ્યું હતું.

મંત્રીએ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નેરેન્દ્રભાઇ મોદીએ 5મી જુન વિશ્વ પર્યાવરણ દિવસથી ‘એક પેડ માં કે નામ’ અભિયાનની શરૂઆત કરાવી હતી. આ અભિયાનમાં આપણે સૌ જોડાયા છે. મુખ્યમંત્રીશ્રીએ પણ ગુજરાતમાં આ અભિયાનની શરૂઆત કરાવી છે.જે અંતર્ગત દેશમાં ૧૪૦ કરોડ વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો હતો. જેમાંથી ૧૫ કરોડ વૃક્ષો નું વાવેતર થઈ ચુક્યું છે. પ્રધાનમંત્રીશ્રી કહે છે કે, દુનિયામાં માં નું ઋણ કોઈ વ્યક્તિ ચૂકવી શકતો નથી પરંતુ ઋણ ચૂકવવામાં માત્ર સહભાગી થવા માટે પણ ‘એક પેડ માં કે નામ’ લગાવવું જોઈએ. પ્રધાનમંત્રીશ્રીએ મા નું ઋણ ચૂકવવા આ અભિયાન આપ્યું છે. આપના ઘરમાં દીકરા -દિકરીના જન્મ સમયે, જન્મદિવસ નિમિત્તે એક એક વૃક્ષ તો વાવવું જ જોઈએ. દરેક વિસ્તારના સ્મશાનગૃહોમાં દરેક મૃતકના નામે એક વૃક્ષ વાવવાથી પેઢીઓ સુધી યાદ રહેશે. મંત્રીએ વલસાડ જિલ્લાને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, આજે અહીં વાઘવળમાં ૨૦૦૦થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આવતા વર્ષે અહીં નાનું વન બની ગયું હશે. આ અભિયાન હેઠળ આદિવાસી જિલ્લા તાપીમાં ૯૦૦૦ વૃક્ષો વાવી રેકોર્ડ બનાવ્યો છે. તો ઇડર અરવલ્લીમાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના સહયોગથી ૧૨૦૦૦, સુરતના માંડવીમાં ૩૦૦૦ અને વલસાડમાં ૩૦૦૦ વૃક્ષો વાવવામાં આવ્યા છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૮૦ થી વધુ નમો વડ વન બનાવવામાં આવ્યા છે. જાપાનીઝ પદ્ધતિથી ઝડપી ઉછેર માટે આ વનો વન કવચ માટે બનાવાયા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર નૈમેષ દવે, તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ માહલા, વલસાડ વન વર્તુળ મુખ્ય વન સંરક્ષક મનીશ્વર રાજા અને સુરત વન વર્તુળ મુખ્ય વન સંરક્ષક ડૉ. કે. શશીકુમારના હસ્તે બહેડા, હરડે, અર્જુન સાદડ, અરીઠા, વડ, રાયણ, લીમડો, પીપળો, આમળા, બીયો, મહુડો, લીંબી અને ઉમરો જેવી વિવિધ પ્રજાતિના રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વલસાડ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. રામ રતન નાલા, ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક નિશા રાજ, દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક ઋષિરાજ પુવાર, ધરમપુર પ્રાંત અધિકારી અમિતકુમાર ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી કૃષણપાલસિંહ મકવાણા, મામલતદાર ભરતભાઈ પટેલ, વાઘવળના સરપંચ રાજેશભાઈ, સંબંધિત વિભાગના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પણ વૃક્ષારોપણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *