વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ જાણીતા અંબા માતા મંદિર ખાતે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં ફિઝિયોથેરેપી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વાપીના ગુંજન વિસ્તારમાં 38 વર્ષથી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબામાતા મંદીર પ્રાંગણમા શ્રી અંબેમા ફિઝીયોથેરાપી સેન્ટરનું ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી (નાણાઊર્જા પેટ્રોકેમિકલ્સ) કનુભાઈ દેસાઈના વરદ હસ્તે અને VIA પ્રમુખ કમલેશ પટેલની વિશેષ ઉપસ્થીતીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આજ થી શક્તિ આરાધનાના પર્વ એવા નવરાત્રી પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. ગુજરાતના નવરાત્રી મહોત્સવને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં સૌથી લાંબા નૃત્ય મહોત્સવ તરીકેની આગવી ઓળખ અપાવી છે. ત્યારે આજના પ્રથમ નોરતે અંબા માતા મંદિર ખાતે વિવિધ સંસ્થાના સહયોગમાં ફિઝિયોથેરેપી સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જેનો વાપીની જનતાને લાભ મળશે. ટ્રસ્ટીઓ દ્વારા કરેલા આ સેવાયજ્ઞ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે શ્રી અંબે માં ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે પીડિયા પેશન્ટ, ન્યુરોલોજીકલ કન્ડિશન અને પેરાલીસીસ વાળા પેશન્ટને વિવિધ કસરતો સાથેની ટ્રીટમેન્ટ આપવામાં આવશે. એ ઉપરાંત અહીં ઓર્થોપેશન્ટ અને બેઠાડુ જીવન જીવતા લોકોને થતી વિવિધ તકલીફો અંગે લેટેસ્ટ ઇકવીપમેન્ટ સાથે હળવી કસરતો કરાવી ઉત્તમ સારવાર પૂરી પાડવામાં આવશે. વાપીની તમામ જનતા આ સેન્ટરમાં સારવારનો લાભ લઈ શકે તે માટે 70 રૂપિયા જેવી નજીવી ફી રાખવામાં આવી છે. સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે ટ્રસ્ટીઓ અને ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.