Thursday, January 30News That Matters

વાપીમાં લોકોએ ઉત્સાહભેર હોલિકા દહન કરી હોળી માતાની પૂજા કરી, હોળીમાતાની જ્વાળાએ આપ્યો ચોમાસુ સારું જવાનો સંકેત

વાપી : – વલસાડ જિલ્લાના વાપીમાં કોરોના કાળના 2 વર્ષ બાદ આ વર્ષે લોકોએ ઉત્સાહભેર હોલિકા દહન કરી હોળીમાતાની પૂજા કરી હતી. વાપીમાં અંદાજીત 200 વર્ષથી અનાવિલ સમાજ દ્વારા હનુમાન મંદિર ચોકમાં હોલિકા દહનનો કાર્યક્રમ ઉજવાતો આવ્યો છે. આ વર્ષે કોરોના હળવો થતા દર વર્ષની જેમ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નવદંપતિઓના હસ્તે પૂજા કરાવી હોળી પ્રગટાવવામાં આવી હતી. તો, હોળીની જ્વાળા જોઈ આ વર્ષે ચોમાસુ સારું જવાનો વર્તારો અપાયો હતો.
વાપીમાં હનુમાન મંદિર ચોક ખાતે અનાવિલ સમાજ દ્વારા દર વર્ષે ભવ્ય હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે . આ વખતે કોરોના સંક્રમણ હળવું થયું હોય સરકારી ગાઈડલાઈનની પાબંધી પણ હટી હોઈ મોટી સંખ્યામાં લોકો હોળી માતા ની પૂજા કરવા ઉમટી પડ્યા હતાં. આ અંગે અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે ગત 2 વર્ષ કોરોનામાં ગયા બાદ આ વર્ષે ઉત્સાહભેર હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં છેલ્લા 200 વર્ષથી અનાવિલ સમાજ દ્વારા હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો હોળી ફરતે પ્રદક્ષિણા ફરી શકે નારિયેળ, ધાણી, દાળિયા, પતાસા નો પ્રસાદ ધરી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નવદંપતિઓના હાથે અને ભુદેવ દ્વારા શાત્રોક્ત વિધિ સાથે હોળી માતાને અગ્નિ આપી પ્રગટાવવામાં આવ્યા હતાં.
અનિલ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે હોળી પર્વ ખેડૂતો માટે મહત્વનું પર્વ મનાય છે. હોળીની જ્વાળાને આધારે ચોમાસુ કેવું જશે તેના વર્તારા કાઢી એ મુજબ ખેડૂતો ખેતી કરે છે. આ વર્ષે હોળીની જ્વાળા જોતા સમગ્ર દેશમાં ખૂબ જ સારો વરસાદ પડશે ચોમાસું ખૂબ જ સારું જશે તેવો વર્તારો કાઢવામાં આવ્યો છે. તેમજ વાપીમાં લોકો સુખશાંતિથી એકસંપ થઈને રહે, કોરોના ફરી માથું ના ઊંચકે, લોકોનું સારું આરોગ્ય રહે, વેપાર ધંધામાં વૃદ્ધિ થાય તેવા આશિષ હોલીમાતા પાસે માંગવામાં આવ્યા હતાં. તો , હોલિકા દહનમાં પૂજા અને પ્રદક્ષિણા કરવા આવેલા ભક્તોએ  પૂજા અને ચઢાવો ચઢાવી હોલિકા દહન ફરતે પ્રદક્ષિણા કરી હતી.
ઉલ્લેખનીય છે કે હોળી પર્વને બુરાઈ પર અચ્છાઈની વિજયના પ્રતીક તરીકે મનાવવામાં આવે છે. સાથે જ હોળીની જ્વાળાને આધારે ચોમાસુ કેવું જશે તેનો વર્તારો કાઢવામાં આવે છે. બહેનો શ્રીફળ, દાળિયા, ખજૂર, ધાણી હોળીની જ્વાળામાં નાખી પ્રદક્ષિણા કરી હોળીમાતા પાસે પરિવારની સુખશાંતિની કામના કરતી પૂજા કરે છે. 2 વર્ષ બાદ આ વર્ષે જિલ્લાભરમાં દરેક સ્થળે મોટી સંખ્યામાં લોકો હોળી માતાની પૂજા કરવા ઉમટ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *