વલસાડ જિલ્લાના વાપી અને સરીગામ GIDC માં તેમજ મુંબઈ સ્થિત અગ્રણી કેમિકલ કંપની હેરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાના CSR ફંડમાંથી વાપી GIDC માં આવાગમન કરતા કામદારો તેમજ ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ ડ્રાઇવર, ક્લીનર માટે મહત્વની સુવિધા ઉભી કરી અન્ય ઉદ્યોગકારો માટે અનુકરણીય પહેલ કરી છે.
હેરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા વાપી GIDC ના 3rd ફેજ વિસ્તારમાં એક પૅ એન્ડ યુઝ શૌચાલય, સ્નાનગૃહ અને સેનેટરીની સુવિધા ઉભી કરી છે. કંપનીએ વાપી GIDC, નોટિફાઇડ, VIA અને ગ્રીન પબ્લિક ફેસિલિટીના સહયોગથી કંપનીના CSR ફન્ડમાંથી આ શૌચાલય બનાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવા કરેલા આ અનોખા સાહસ બાદ શુક્રવારે કંપનીના ચેરમેન આર. કે. શેટ્ટી, VIA ના પ્રમુખ કમલેશ પટેલના હસ્તે તેનું ઉદ્ઘાટન કરી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ પબ્લિક ટોયલેટ અંગે કંપનીના ચેરમેન આર. કે. શેટ્ટીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનમાંથી પ્રેરણા લઈ વાપી GIDC, નોટિફાઇડના સહયોગમાં આ જાહેર શૌચાલય, સ્નાનગૃહ બનાવવામાં આવ્યું છે. કંપની તેમના CSR ફંડ હેઠળ વર્ષોથી ખોડખાંપણ ધરાવતા અપંગ ગરીબ દર્દીઓને કૃત્રિમ હાથ પગ આપવા ખાસ કેમ્પનું આયોજન કરી મદદરૂપ થતી આવી છે. એ ઉપરાંત સરીગામ GIDC માં શાળાના ઓરડા, શાળામાં અભ્યાસ કરતી કન્યાઓ માટે શૌચાલય બનાવવા, મહારાષ્ટ્રમાં જળસંચય માટે ડેમ બનાવવા જેવા સામાજિક કાર્ય કરી પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવતી આવી છે. જે અંતર્ગત જ વાપી GIDC માં આવાગમન કરતા કામદારો, ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ અને બહારગામથી આવતા ટ્રાન્સપોર્ટ વાહનોના ડ્રાઇવર, ક્લીનર માટે શૌચાલયની સ્નાનગૃહની સુવિધા પૂરી પાડવાની નેમ વાપી GIDC અને નોટિફાઇડ સમક્ષ વ્યક્ત કરી હતી. જેના સહયોગમાં આ સુવિધા ઉભી કરવામાં આવી છે. જે માટે તમામ ખર્ચ કંપનીએ પોતાના CSR ફંડમાંથી કર્યો છે. આ શૌચાલયની સંપૂર્ણ જવાબદારી મુંબઈની NGO સંસ્થા કમ્ફર્ટ 60 ને સોંપી છે. જ્યારે તેના મેઇન્ટેનન્સની સંપૂર્ણ જવાબદારી કંપની પોતે લેશે અને તે માટે દેખરેખ પણ રાખશે.
હેરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીએ જાહેર જનતા માટે બનાવેલા આ શૌચાલયનું ઉદ્ઘાટન કરવા આવેલા વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA)ના પ્રમુખ કમલેશ પટેલે જણાવ્યું હતું કે, કંપનીએ કરેલી આ પહેલ આવકારદાયક છે. વાપી GIDC માં આ પ્રકારની સુવિધાની ખૂબ જ આવશ્યકતા છે. તેમાંથી અન્ય ઉદ્યોગકારો પણ પ્રેરણા લે અને GIDC માં આવી સુવિધાઓ ઉભી કરવા આગળ આવે તે હાલના સમયની માંગ છે. VIA પણ આ પહેલ અંગે જે ઉદ્યોગગૃહ આગળ આવશે તેને બનતી મદદ કરશે. GIDC માં ક્યાં આવી સુવિધાની જરૂર છે. ક્યાં આ પ્રકારની ગ્રીન સ્પેસ છે. તે અંગે જરૂરી માર્ગદર્શન આપશે એટલે અન્ય ઉદ્યોગગૃહો પણ પોતાની સામાજિક જવાબદારી નિભાવવા આવા પ્રયાસ કરે તેવી અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ શૌચાલય-સ્નાનગૃહ GIDC ની ગ્રીન સ્પેસ જગ્યામાં બનાવવામાં આવ્યું છે. ટોયલેટનું માળખું જે જગ્યા પર બનાવવામાં આવ્યું છે. ત્યાં પર્યાવરણને ધ્યાને રાખી પોકેટ ગાર્ડન હતું. એટલે પર્યાવરણનો હેતુ જળવાય રહે તે મુજબ શૌચાલયની બંને તરફ સારા ફુલઝાડ રોપી ગાર્ડન યથાવત રહે તેવા પ્રયાસ સાથે વોટર હાર્વેસ્ટિંગ કરવા જમીનમાં પહેલા 50 હજાર લિટર ની ટાંકી બનાવી છે. જેના પર શૌચાલય બનાવ્યું છે. વરસાદ દરમ્યાન તમામ વરસાદી પાણીને આ ટેન્કમાં ઉતારી તે જ પાણીનો ઉપયોગ શૌચાલય માં અને સ્નાનગૃહમાં કરવામાં અવશે. NGO સંસ્થાના આ બેઝોડ આઈડિયાને પ્રોત્સાહન મળે પુરુષોની સાથે મહિલાઓ માટે પણ ઉપયોગી બને એ માટે દર મહિને 5 હજાર સેનેટરી આપવાની કલેકટર કચેરીએ પણ ખાતરી આપી છે. આ વિસ્તારમાં મોટેભાગે આસપાસના વિસ્તારમાંથી ઉદ્યોગોમાં કામ અર્થે આવતા પુરુષો-મહિલાઓની વધુ અવરજવર છે. જેથી તેમને માટે આ સુવિધા ખુબજ ફાયદાકારક રહેશે તેવો વિશ્વાસ કંપનીના સંચાલકો, કામદારોએ વ્યક્ત કર્યો હતો. પબ્લિક ટોયલેટના ઉદ્ઘાટન પ્રસંગે હેરંબા ઇન્ડસ્ટ્રીઝ ના મેનેજર રૂપેશ વેગડા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.