Friday, October 18News That Matters

વાપીમાં ખીદમત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ફ્રી મેગા મેડિકલ કેમ્પમાં દર્દીઓએ વિવિધ બીમારીઓનું નિઃશુલ્ક નિદાન કરાવ્યું

વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ખીદમત ચેરીટેબલ ટ્રસ્ટ ડુંગરા અને યશફિન હોસ્પિટલ નવસારીના સહયોગમાં વાપીના છીરી ખાતે રવિવારે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1500 જેટલા લોકોએ વિવિધ રોગોનું નિદાન કરાવી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા જે દર્દીઓ ઓપરેશનની રકમ ખર્ચી શકે તેમ નથી તેમને રાહતદરે અથવા આયુષ્યમાન કાર્ડ હેઠળ ઓપરેશન કરાવી આપવાની બાંહેધરી આપી હતી.

 

 

વાપીમાં છીરી ખાતે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના ઉદ્દેશ્ય અંગે ખીદમત ચેરીટેબલ ટ્રસ્ટ ડુંગરાના વાઇસ પ્રેસિડેન્ટ્સ સાબિર ખાને વિગતો આપી હતી કે, કેમ્પમાં વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી લોકો આવ્યાં છે. આ એવા દર્દીઓ છે જે તેમની નાનીમોટી શારીરિક બીમારીઓથી પીડાય છે. પરંતુ તેની પાછળ ઓપરેશનનો મોટો ખર્ચ હોય તે કરી શકતા નથી. એટલે ટ્રસ્ટે યશફિન હોસ્પિટલ નવસારીના તબીબો સાથે સંકલન સાધી આ કેમ્પનું આયોજન કર્યું છે. જેમાં તમામ લોકોએ તેમની બીમારીઓનું નિઃશુલ્ક નિદાન કરાવ્યું છે. તો, જે ગંભીર બીમારીથી પીડાય છે. અને ગરીબ છે. તેવા દર્દીઓ માટે આ જ હોસ્પિટલમાં રાહતદરે અથવા તો આયુષ્યમાન કાર્ડ પર ઓપરેશન કરાવી આપવાનો નીર્ધાર છે.
ફ્રી મેડિકલ કેમ્પ અંગે જમીયતે ઉલેમાએ વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાને જણાવ્યુ હતુ કે કોરોના બાદ લોકોમાં નાનીમોટી બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. જેના ઈલાજમાં મોટો ખર્ચ થશે તેવા ડરે લોકો જતા નથી. જે ધ્યાને આવ્યા બાદ આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખીદમત ચેરીટેબલ ટ્રસ્ટ અને યશફિન હોસ્પિટલના સહયોગથી આયોજિત કેમ્પમાં 1500 જેટલા દર્દીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેઓનું અહીં ઉપસ્થિત પેટ, હાડકા, હાર્ટ, સ્ત્રીરોગના નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન કરાવવામાં આવ્યું છે. અને તે બાદ જે દર્દીનું કોઈપણ બીમારીનું ઓપરેશન હશે તો તે પણ ટ્રસ્ટ દ્વારા રાહતદરે કરાવી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ફ્રી મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. તેમજ મોટી ઉંમરના અને વિવિધ નાનીમોટી બીમારીથી પીડાતા વૃદ્ધોએ કેમ્પમાં આવી બીમારીનું નિઃશુલ્ક નિદાન કરાવ્યું હતુ. મેડિકલ કેમ્પમાં દરેક બીમારીના નિદાન માટે નિષ્ણાંત તબીબોએ ચેકઅપ કરી જરૂરી દવાઓ અને માર્ગર્શન આપ્યું હતું. કેમ્પમાં કોઈને કોઈ તકલીફ ના પડે તે માટે સ્વયં સેવકોએ અથાગ મહેનત કરી હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *