Thursday, January 30News That Matters

વાપીમાં પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ દ્વારા દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જિલ્લાના વિકાસની ગાથા રજૂ કરી નવા વર્ષની શુભેચ્છા પાઠવી

પારડી 180 વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ પારડી અને વાપી તાલુકાના તમામ કાર્યકર્તાઓ, નાગરિકો, અગ્રણીઓને નવા વર્ષની શુભકામના આપવા વાપીના રોફેલ કોલેજ ખાતે દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

વાપીમાં રોફેલ કોલેજ ખાતે આયોજિત  પારડી વિધાનસભા 180ના દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમમાં રાજ્યના નાણાં-ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ હેમંત કંસારા, સાંસદ ધવલ પટેલ સહિત વલસાડ, ઉમરગામ, ધરમપુર વિધાનસભાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા પારડી અને વાપી તાલુકાના તમામ કાર્યકર્તાઓ, નાગરિકો, અગ્રણીઓનું નવું વર્ષ દરેક માટે નવી ઉર્જા, નવું ઉત્સાહ અને અપ્રતિમ સફળતા લઈને આવે તેવી શુભેચ્છા વ્યક્ત કરી. વધુમાં જણાવ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત થયા છે. એ સૌનો આભાર માનું છું.

ગુજરાતમાં રાજ્યમાં ભાજપ સરકાર 1995થી છે. 27 વર્ષની સરકાર આખા ભારતમાં સૌપ્રથમવાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની છે. અને આપણે હજુ પણ મહેનત ચાલુ જ રાખવાની છે. આપણે જિલ્લામાં શું શું કામો કરવાના બાકી છે એ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. તો, જિલ્લામાં થયેલા વિકાસની ગાથા રજૂ કરી અત્યારથી જ આગામી બજેટની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. જે સાથે બાકી તમામ કામ પણ પૂર્ણ કરવામાં આવશે.

વલસાડ જિલ્લામાં જેલ માટેની દરખાસ્ત 2021 ના પહેલા બજેટમાં જ મુકેલી હતી અને એના માટેની જે જગ્યા છે એ બહુ સુંદર જગ્યા છે પણ એમાં થોડો કોર્ટ કેસ થયેલો હોવાથી આપણે પૂર્ણ કરી શક્યા નથી પણ તે બધું આપણે ટૂંક સમયમાં પૂર્ણ કરીશું એવી ખાતરી આપી તમામનો આભાર માન્યો હતો. કનુભાઈએ આગામી દિવસોમાં વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકાની ચૂંટણી માટે સૌને કામે લાગી જવા હાકલ કરી હતી.

આ પ્રસંગે ગુજરાત રાજ્યના પ્રદેશ ભાજપના સંગઠનના ઉપપ્રમુખ ઉષાબેન, વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ હેમંત કંસારા, સાંસદ ધવલ પટેલ, રાજુલાના માજી ધારાસભ્ય અમરીશ ડેર, ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, વલસાડ જિલ્લા ભાજપના સ્થાપક તેમજ જનસંઘના કાર્યકર્તા રજનીકાંત જોશી, પારસી સમુદાયના ધર્મગુરુ વડા દસ્તુરજી, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ, વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના ચૂંટણી અધિકારી રાજેશ દેસાઈ, વાપી તાલુકા ભાજપના પ્રભારી, વલસાડ જિલ્લા આર્થિક સેલના સંયોજક, વાપી શહેર ભાજપ સંગઠનના પ્રમુખ સતિષ પટેલ તેમજ પારડી તાલુકા અને વાપી તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી તેમજ વિવિધ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના સભ્યો તેમજ પારડી અને વાપી તાલુકા ભાજપ સમર્પિત સરપંચો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *