વાપીના ડુંગરી ફળીયા વિસ્તારમાં આસ્થાના પ્રતીક મનાતા પંચમુખી હનુમાનજી મંદિર પ્રાંગણમાં 9 દિવસની ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કથા પ્રારંભ પૂર્વે વાપીના હરિયા પાર્કથી કથા સ્થળ સુધીની ભવ્ય 121 કળશ સાથેની કળશ યાત્રા યોજાઈ હતી. માથે કળશ સાથે બહેનોની આ કળશ યાત્રાએ શહેરીજનોમાં આકર્ષણ ઉભું કર્યું હતું.
વાપીના ડુંગરી ફળીયા વિસ્તારમાં તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ ડૉ. જીતેન્દ્ર પાટીલ દ્વારા જય હનુમાન સેવા મંડળ ના નેજા હેઠળ દર વર્ષે રામનવમી, હનુમાન જયંતિના પર્વ દરમ્યાન ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવે છે. સાર્વજનિક કલ્યાણના ઉદેશ્ય સાથે આયોજિત આ રામ કથા પહેલા DJ ના તાલે શ્રી રામ, હનુમાન, મહાદેવના ભજનો સાથે હરિયા પાર્કથી કથા સ્થળ સુધી 121 બહેનો દ્વારા કળશ યાત્રા યોજાઈ હતી.
રામ કથાના ઉદેશ્ય અંગે આયોજક ડૉ. જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ડુંગરી ફળિયામાં બિરાજમાન પંચમુખી હનુમાન મંદિરના પ્રાંગણમાં દર વર્ષે રામકથાનું આયોજન કરવામાં આવે છે. 9 દિવસની આ કથામાં અહીં વસતા યુપી, બિહાર અને ગુજરાતના શ્રદ્ધાળુઓ ઉમળકાભેર કથાનું શ્રવણ કરવા આવે છે. તો, કથાકાર પંડિત ગોપાલ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, દેશના દરેક સમાજના લોકોના સાર્વજનિક કલ્યાણ માટે આયોજિત કથામાં હનુમાન જયંતીની પણ ઉજવણી કરવામાં આવશે. જે દિવસે હવન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
લોકોમાં ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય, પ્રભુ રામના આશીર્વાદ વરસતા રહે, જનજન 16 સંસ્કારો અંગે જાગૃત બને, ભારતીય સંસ્કૃતિને જાળવી રાખે તેવા ઉદેશથી આયોજિત આ કથાના પ્રારંભ પહેલા યોજાયેલ કળશ યાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો, બાળકો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ જય શ્રી રામ ના નારા લગાવી આકાશ ગજાવ્યું હતું.