શુક્રવારે વાપીમાં નવનિર્મિત આર કે દેસાઈ કોલેજના કોમર્સ ભવનનું ઉદ્ઘાટન કરવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વાપીમાં આવ્યા હતાં. CM ની વાપી મુલાકાત દરમ્યાન નેશનલ હાઇવે નંબર 48ના સર્વિસ રોડ પર પોલીસે સુરક્ષા બંદોબસ્તના ભાગરૂપે વાહનચાલકોને અટકાવ્યા હતાં. CM નો કોન્વે પસાર થઈ જાય તે બાદ વાહનચાલકોને જવા દેવાની સૂચના બાદ બંદોબસ્તમાં રહેલા એક પોલીસ જવાને એક વાહનચાલકને બાંવડાના ભાગે લાકડી ફટકારી દેતા યુવક ઘાયલ થયો હતો. જેને લઈને અન્ય વાહનચાલકોમાં આક્રોશ વ્યાપ્યો હતો.
વાપીમાં નેશનલ હાઇવે નંબર 48 પર ચાર રસ્તા નજીકના સર્વિસ રોડ પર વાહનચાલકો અને પોલીસ જવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના વીડિઓ વાયરલ થયા હતાં. જેમાં પોલીસ જવાનો સામે વાહનચાલકોએ આક્રોશ ઠાલવ્યો હતો. મળતી વિગત મુજબ CM નો કાફલો પસાર થવાનો હોય પોલીસે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી સર્વિસ રોડ પર પોલીસ જવાનો તૈનાત કર્યા હતાં. જેઓએ વાહનચાલકોને અટકાવ્યા હતાં. જેમાં એક પોલીસ જવાને વધુ પડતો બળ પ્રયોગ કરી એક વાહનચાલક પર લાકડી નો વાર કર્યો હતો.
લાકડી વાહનચાલકના બાંવડાના ભાગે વાગતા તે ઘવાયો હતો. જે જોઈ અન્ય વાહનચાલકોમાં આક્રોશ ફેલાયો હતો. જે દરમ્યાન CM ભુપેન્દ્ર પટેલનો કાફલો પણ હાઇવે પરથી પસાર થયો હતો. જે પસાર થયા બાદ વાહનચાલકોએ દંડો ફટકારનાર પોલીસ જવાન સાથે જીભાજોડી કરતા પોલીસ જવાને ચાલતી પકડી હતી.
<span;>જ્યારે આક્રોશમાં રહેલા વાહનચાલકો રસ્તા પર ધસી ગયા હતાં. જે દરમ્યાન અન્ય નેતાઓ હાઇવે પરથી પસાર થતા તેની સમક્ષ સમગ્ર મામલે રજુઆત કરી હતી. ઘટના અંગે અન્ય વાહનચાલકો પણ એકઠા થતા આખરે વધુ પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતાં.
જેઓએ વાહનચાલકોને સમજાવવાના પ્રયાસ કરતા પોલીસ જવાનો અને વાહનચાલકો વચ્ચે બોલાચાલી થઈ હતી. જો કે આખરે આ મામલો સમાધાન તરફ વળ્યો હતો. પરંતુ વાહનચાલકોનો આક્રોશ હાલની વાપીની ચારેબાજુની ટ્રાફિક સમસ્યાને લઈને વકર્યો હોય આગામી દિવસોમાં ફરી આવી નેતાઓની મુલાકાત દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્રએ સબક લેવો જરૂરી છે. તો નેતાઓએ પણ વિકાસના નામે લોકોને પડતી હાલાકીથી વાકેફ થઈ સુચારુ આયોજન કરવા હિતાવહ છે.