વાપીમાં ગુંજન વિસ્તારમાં આવેલ અંબા માતા મંદિરના પ્રાંગણમાં ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
શ્રી મદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત કથા ના ઉદેશ્ય અંગે પ્રમોદ ઉપાધ્યાય અને કાર્તિક જોષીએ જણાવ્યું હતું કે, દેશમાં ભગવાન કૃષ્ણ ના મંદિર બનાવવા કરતા તેમની પ્રિય ગાય માતાની સેવા કરવાથી વૈકુંઠ ધામના દર્શન થશે. આ સેવકાર્યમાં દાતાઓ દાનની શરવાણી વહાવે, ગાય માતાને રાષ્ટ્રીય પશુ નો દરજ્જો મળે, લોકો ગૌસેવા માટે આગળ આવે તેની જનજાગૃતિ માટે આ કથાનું આયોજન કરાયું છે.
સાપ્તાહિક કથામાં ભાગવત્તાચાર્ય પંડિત ગોપાલ શાસ્ત્રી દ્વારા ઉપસ્થિત ભક્તોને કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. કથા અંગે પંડિત સંત ગોપાલજી મહારાજે જણાવ્યું હતું કે, ગૌ સેવા હોય કે, કન્યા વિવાહ લાભાર્થે જ્યાં પણ શ્રી મદ ભાગવત કથાનું આયોજન થાય ત્યાં પંડિતજી નિઃશુલ્ક કથાનું રસપાન કરાવે છે.
કથામાં ગૌમાતાના લાભાર્થે સેવા કરતા ટ્રસ્ટ દ્વારા ગાયો ની સેવા કરવામાં આવે છે. રખડતી ગાયોનો નિભાવ કરવામાં આવે છે. બીમાર ગાયોની સેવા કરવામાં આવે છે. એ ઉપરાંત હાલમાં જ દરેક સોસાયટીઓમાં પ્રથમ રોટી ગાય માતાને ધરવાના અનોખા અભિયાનનો પ્રારંભ કરી તે માટે ગૌભક્તો પાસેથી રોટી એકત્ર કરવામાં આવી રહી છે. આ ગૌ સેવાની ક્રાંતિ જનજન સુધી પહોંચે તેવા શુભ ઉદેશયમાં લોકો પણ જોડાય તેવું આહવાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 22મી મેં થી કથાનો પ્રારંભ કરવામાં આવ્યા બાદ 28મી મેં એ તેનું સમાપન થશે. 29મી મેં એ જનજાગૃતિ માટે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના રસપાન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. તો, સમાજના મહાનુભાવોને આમંત્રિત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. દાતાઓએ ગૌ માતાના લાભાર્થે દાનની જાહેરાત કરી પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું.